• મંગળવાર, 12 મે, 2026

11 તીર્થના જળથી કુંભાભિષેક, મહાદેવને શિશ નમાવતા મોદી

- પ્રથમવાર 90 મીટર ઊંચાઈએ ક્રેન દ્વારા કુંભ પહોંચાડવામાં આવ્યો, ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરથી મંદિર પરિસરમાં પુષ્પવર્ષા કરાઈ: ફાઇટર વિમાનોના દિલધડક કરતબોએ ભક્તોને મંત્રમુગ્ધ કર્યા : મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા

-વડાપ્રધાન મોદીએ મંદિર પરિસરમાં સોમનાથના વૈભવશાળી ઇતિહાસ અને વિરાસતને

દર્શાવતા વિશેષ પ્રદર્શનની મુલાકાત લીધી

-બ્રાહ્મણોના સતત મંત્રોચ્ચારથી વાતાવરણ

સંપૂર્ણપણે શિવમય બની રહ્યું, તમામ ભક્તો અને મહાનુભાવો ભગવાન શિવની ભક્તિમાં લીન રહ્યા

વેરાવળ,તા.11 : સોમનાથ ખાતે યોજાયેલા ‘સોમનાથ અમૃત પર્વ’ દરમિયાન ભવ્ય ધાર્મિક અને ઐતિહાસિક પ્રસંગ સર્જાયો હતો, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે સોમનાથ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ મહાપૂજા, 11 પવિત્ર તીર્થોના જળથી કુંભાભિષેક તેમજ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા અને એરોબેટિક શો પણ યોજાયો હતો, જેના કારણે સમગ્ર સોમનાથ પરિસર ભક્તિ, ભવ્યતા અને રાષ્ટ્રભક્તિના ભાવથી ગુંજી ઉઠયો હતો.

સોમનાથ મંદિર પરિસરમાં પ્રવેશતા પહેલાં વડાપ્રધાન મોદીએ અખંડ ભારતના શિલ્પી અને સોમનાથ મંદિરના પુન:નિર્માણના સ્વપ્નદ્રષ્ટા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ દિગ્વિજય દ્વાર પાસે ઋષિકુમારોના શંખ અને ડમરુના નાદ વચ્ચે ખાસ ‘બેલ વોક’ પરથી પસાર થઈ તેઓ નિજ મંદિરમાં પ્રવેશ્યા હતા.

નિજ મંદિરમાં વડાપ્રધાન મોદીએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ મહાપૂજા કરી દેશની પ્રગતિ, સમૃદ્ધિ અને જનજનની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આ અવસરે તેમણે સોમનાથ મહાદેવના દેવાલય પર કુંભાભિષેક અને ધ્વજારોહણ પણ કર્યું હતું. કાર્યક્રમની પવિત્ર ઘડીએ ઈન્ડિયન એર ફોર્સના બે ચેતક હેલિકોપ્ટર દ્વારા મંદિર પરિસરમાં પુષ્પવર્ષા કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર સમુદ્ર કિનારો દિવ્ય અને ભવ્ય માહોલથી ગુંજી ઉઠયો હતો.

‘સોમનાથ અમૃતપર્વ’ દરમિયાન એક ઐતિહાસિક ક્ષણ પણ સર્જાઈ હતી. પુન:નિર્મિત સોમનાથ મંદિરના શિખર પર પ્રથમવાર 11 પવિત્ર તીર્થોના જળથી કુંભાભિષેક કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદીએ રીમોટ દ્વારા ક્રેનનું સંચાલન શરૂ કરતા 11 પવિત્ર નદીઓના જળથી ભરાયેલ વિશાળ કુંભને આશરે 90 મીટર ઊંચાઈએ મંદિરના શિખર સુધી પહોંચાડવામાં આવ્યો હતો. આ સમગ્ર વિધિ દરમિયાન બ્રાહ્મણોના સતત મંત્રોચ્ચારથી વાતાવરણ સંપૂર્ણપણે શિવમય બની ગયું હતું. ઉપસ્થિત તમામ ભક્તો અને મહાનુભાવો ભગવાન શિવની ભક્તિમાં લીન થયેલા જોવા મળ્યા હતા.

આ સાથે જ વાયુસેનાની સૂર્ય કિરણ એરોબેટીક ટીમ દ્વારા આકાશમાં દિલધડક એર શો રજૂ કરવામાં આવ્યો હતો. છ ફાઇટર વિમાનોના અદ્ભુત કરતબોએ ઉપસ્થિત ભક્તો અને દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. વડાપ્રધાન મોદીએ મંદિર પરિસરમાં સોમનાથના વૈભવશાળી ઇતિહાસ અને વિરાસતને દર્શાવતા વિશેષ પ્રદર્શનની મુલાકાત પણ લીધી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાન મોદીએ રોડ શોમાં ખુલ્લી જીપમાં સવાર થઈ જનતાનું હર્ષભેર અભિવાદન કર્યું

સોમનાથ હેલીપેડથી સોમનાથ મંદિર સુધી યોજાયેલા ભવ્ય રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. વડાપ્રધાનની એક ઝલક જોવા માટે લોકો કલાકો પહેલાંથી જ માર્ગ પર લાઈનમાં ઊભા રહ્યા હતા. સમગ્ર માર્ગ પર ઉત્સાહ, ઉલ્લાસ અને ભક્તિભાવનો માહોલ જોવા મળ્યો હતો.

સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત અમૃત પર્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. રોડ શોના દરમિયાન વડાપ્રધાનએ ખુલ્લી જીપમાંથી બંને હાથ ઉંચા કરીને લોકોનું અભિવાદન કર્યું અને જનસમૂહના અવિરત ઉત્સાહને હર્ષપૂર્વક સ્વીકાર્યો હતો. આ રોડ શોમાં ભારતની સમૃદ્ધ અને વૈવિધ્યસભર સાંસ્કૃતિક વિરાસતનું પણ સુંદર પ્રદર્શન થયું હતું. ગુજરાત, બંગાળ, ઉત્તર, દક્ષિણ અને પૂર્વોત્તર ભારતના લોકનૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા. કુલ 12 જેટલા સાંસ્કૃતિક મંચો પર કથકલી, મોહિનીઅટ્ટમ, ગરબા, રાસ, ટિપ્પણી નૃત્ય સહિત વિવિધ પરંપરાગત નૃત્યો રજૂ થયા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવના સ્પષ્ટ રીતે પ્રતાબિંબિત થઈ હતી અને ભારતની સાંસ્કૃતિક એકતાનો ભવ્ય સંદેશ પ્રસ્તુત થયો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક