-કર્ણાટકમાં બીજી વખત મતગણતરીના મામલામાં ભાજપ ઉમેદવાર ઉપર અદાલતની આકરી ટિપ્પણી
નવી
દિલ્હી, તા. 11 : સુપ્રીમ કોર્ટે ચૂંટણી વિવાદ સંબંધિત એક કેસની સુનાવણી કરતા ભાજપ
ઉમેદવારને ઝટકો આપવની સાથે આકરી ટિપ્પણી પણ કરી હતી કે લોકતંત્રને હાઈજેક કરવા દઈ શકાય
નહીં. આ સાથે શીર્ષ અદાલતે કોંગ્રેસ નેતાને રાહત આપતા વિધાયક પદ બહાલ રાખ્યું હતું.
આ કેસ કર્ણાટકના શૃંગેરી વિધાનસભા સીટ સંબંધિત હતો.
સુપ્રીમ
કોર્ટે કોંગ્રેસ નેતા ટીડી રાજગોડાને વચગાળાની રાહત આપતા નિર્દેશ કર્યો હતો કે ભલે
બીજી વખત થયેલી મતગણતરીમાં ભાજપ ઉમેદવાર ડીએન જીવરાજને વિજેતા ઘોષિત કર્યા હોય, તેમ
છતાં તેઓ વર્તમાન સમયે શૃંગેરી સીટથી વિધાયક યથાવત્ રહેશે. સુનાવણી દરમિયાન જસ્ટિસ
સંજય કુમાર અને જસ્ટિસ વિનોદ ચંદ્રનની પીઠે ભાજપ ઉમેદવાર ઉપર અમુક આકરી ટિપ્પણી કરી
હતી. જેમાં કહ્યું હતું કે, અદાલત આવી રીતે લોકતંત્રને હાઇજેક કરવા દઈ શકે નહીં. ઉલ્લેખનીય
છે કે 2023ની કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ટીડી રાજગોડા શૃંગેરી સીટથી
201 મતે જીત્યા હતા. બાદમાં ભાજપ ઉમેદવાર ડીએન જીવરાજે કર્ણાટક હાઇ કોર્ટમાં અરજી મારફતે
પરિણામ પડકાર્યું હતું. જેના ઉપર હાઇ કોર્ટે પોસ્ટલ બેલેટની ફરીથી ગણતરી કરવા આદેશ
કર્યો હતો. જેમાં રાજગોડાના મત 255 ઘટયા હતા અને ભાજપ ઉમેદવારને વિજેતા ઘોષિત કર્યા
હતા.
સુપ્રીમ
કોર્ટમાં દાખલ અરજીમાં કોંગ્રેસ નેતા રાજગોડાએ તર્ક આપ્યો હતો કે હાઇ કોર્ટે માત્ર
279 રદ થયેલા પોસ્ટલ બેલેટ મતની ખરાઈ કરવા કહ્યું હતું પણ રિટર્નિંગ ઓફિસરે ગેરકાનૂની
રીતે 562 વૈધ પોસ્ટલ બેલેટ મત ઉપર વિચાર કર્યો હતો.