• મંગળવાર, 12 મે, 2026

‘સોમનાથ વિનાશમાંથી સર્જનનું પ્રતીક’

- સોમનાથ પુન:નિર્માણના 75 વર્ષ નિમિત્તે વડાપ્રધાન મોદીએ મહાપૂજા, કુંભાભિષેક, ધ્વજારોહણ અને સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી

- નવી પેઢીને ભારતની વિરાસત અને સંસ્કૃતિના સંરક્ષણ માટે જવાબદારી નિભાવવા વડાપ્રધાને સંદેશ આપ્યો: કાશી, કેદારનાથ અને રામ મંદિર વિકાસથી સાંસ્કૃતિક સાથે આર્થિક પ્રગતિને વેગ

 

વેરાવળ, તા.11 : જગવિખ્યાત સોમનાથ મંદિરના પુન:નિર્માણના 75 વર્ષ નિમિત્તે યોજાયેલા ‘સોમનાથ અમૃત મહોત્સવ’ પ્રસંગે વેરાવળ-સોમનાથમાં ચોમેર ઉમંગ અને ઉત્સાહનો માહોલ હતો. સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં સવારે સૌપ્રથમ યોજાયેલા રોડ શોમાં વડાપ્રધાને ખુલ્લી જીપમાં અભિવાદન ઝીલી પ્રજાના અપાર સ્નેહને હર્ષભેર વધાવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત, બંગાળ રાજ્ય સહિત ઉત્તર અને દક્ષિણ ભારત અને પૂર્વત્તરના રાજ્યોના લોકનૃત્યોની પ્રસ્તુતિથી સમગ્ર વાતાવરણ આનંદ-ઉત્સાહથી તરબતર થયું હતુ. બાદમાં વડાપ્રધાન મોદીએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવીને પૂજા-અર્ચના કરી હતી. આ વેળાએ શંખ અને ડમરુના નાદ તથા અમૃત કળશ સાથે વડાપ્રધાન મોદીનું સોમનાથ મંદિરમાં ભવ્ય સ્વાગત અને અભિવાદન કરાયું હતુ. વડાપ્રધાન મોદીએ સોમનાથ મહાદેવની મહાપૂજા, કુંભાભિષેક અને ધ્વજારોહણ કરી જન-જનની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.  બાદમાં અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને પૂજન કર્યુ હતું.

ભારતવર્ષના આસ્થાના કેન્દ્ર એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સભા સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતુ કે, ‘સોમનાથ અમૃત મહોત્સવ’ એ માત્ર અતીતનો ઉત્સવ નહીં પણ આવનારા 1 હજાર વર્ષ સુધી ભારતની પ્રેરણાનો મહોત્સવ છે. સૃષ્ટિનું જેનાથી સર્જન થાય છે અને જેનામાં લય થાય છે, આજે આપણે તેના ધામના પુન:નિર્માણનો ઉત્સવ મનાવી રહ્યા છીએ. 75 વર્ષ પહેલા આજના દિવસે થયેલી સોમનાથ મંદિરની પુન: સ્થાપના એ સાધારણ અવસર ન હતો. 1947માં દેશ આઝાદ થયો પણ 1951માં સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા એ ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદ્ઘોષ હતો. આજે 75 વર્ષની ઉજવણીના આ અવસરે જોવા મળે છે કે, વિનાશમાં સર્જનનો સંકલ્પ સોમનાથ મંદિરે ચરિતાર્થ કર્યો છે. અસત પર સતનો વિજય પ્રભાસ ક્ષેત્રે વારંવાર કર્યો છે.  મંદિર પુન: નિર્માણની હજારો વર્ષોની આ આધ્યાત્મિક ચેતના માનવ માત્રના કલ્યાણની શીખ વિશ્વને આપી રહી છે.

વડાપ્રધાન મોદીએ સોમનાથ મંદિરને ભારતની અખંડ આસ્થા, સાંસ્કૃતિક ગૌરવ અને સ્વાભિમાનનું પ્રતિક ગણાવતાં જણાવ્યું કે ‘સોમ’ એટલે અમૃત અને જેના નામમાં જ અમૃત છે તેને કોઈ નષ્ટ કરી શકતું નથી. સોમનાથ માત્ર મંદિર નથી, પરંતુ ભારતની અવિનાશી ચેતના અને આધ્યાત્મિક શક્તિનું પ્રતીક છે. સદીઓ દરમિયાન અનેક આક્રમણો થયા છતાં સોમનાથ વારંવાર વધુ ભવ્યતાથી ઉભરાયું છે, જે ભારતની અડગ સંસ્કૃતિ દર્શાવે છે. 11 મે 1998ના રોજ ભારતે પરમાણુ પરીક્ષણ કરીને વિશ્વ સમક્ષ પોતાની વૈજ્ઞાનિક અને રાષ્ટ્રીય શક્તિ સાબિત કરી હતી. તે સમયે અનેક દેશોએ ભારત પર આર્થિક પ્રતિબંધો લગાવ્યા હતા, છતાં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ભારત કોઈ દબાણ સામે ઝૂક્યું નહોતું. ‘ઓપરેશન શક્તિ’ ભારતની આત્મનિર્ભરતા અને શક્તિનું પ્રતીક બન્યું હતું.

તેમણે વધુમાં કહ્યું હતું કે, સ્વતંત્રતા પછી 1951માં સોમનાથ મંદિરનું પુન:નિર્માણ ભારતની સાંસ્કૃતિક ચેતનાનું પ્રતીક હતું. છેલ્લા કેટલાક વર્ષોમાં કાશી વિશ્વનાથ મંદિર, કેદારનાથ મંદિર, રામ મંદિર અને સોમનાથ જેવા તીર્થસ્થળોના વિકાસથી દેશની સાંસ્કૃતિક સાથે આર્થિક પ્રગતિ પણ થઈ રહી છે. નવી પેઢીએ ભારતની વિરાસત અને સંસ્કૃતિના સંરક્ષણ માટે જવાબદારી નિભાવવી જોઈએ તેવો સંદેશ પણ તેમણે આપ્યો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક