- વડોદરા સ્થિત સરદારધામ -3ના લોકાર્પણ સમયે ફરી એક વખત સોનું ન ખરીદવા તેમજ તેલના વપરાશમાં ઘટાડો કરવા વડાપ્રધાનની લોકોને અપીલ
વડોદરા
તા.11 : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 24 કલાકમાં
બીજી વખત દેશની જનતાને પેટ્રોલ-ડીઝલ બચાવવા અપીલ કરી છે. આ સાથે તેમણે સોનું ન ખરીદવાની
સલાહ આપી છે અને તેલના વપરાશમાં ઘટાડો કરવાનો પણ અનુરોધ કર્યો છે.
વડોદરા
સ્થિત સરદારધામ -3ના લોકાર્પણ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકા -ઇરાન વચ્ચે ચાલી
રહેલી યુદ્ધની વિકટ પરિસ્થિતિ અંગે દેશને સંબોધન કર્યું હતુ.જેમાં તેમણે ખનિલ તેલ,
પેટ્રોલ, ડીઝલ અને એક વર્ષ સુધી સોનું ન ખરીદવા આગ્રહ કર્યો છે. પ્રધાનમંત્રીએ સંબોધન
દરમિયાન કહ્યું હતું કે, કોરોના આ સદીની સૌથી મોટી આફત હતી તે રીતે પશ્ચિમ એશિયામાં
સર્જાયેલી યુદ્ધની સ્થિતિ આ દશકની સૌથી મોટી સમસ્યા છે. જ્યાં સુધી સ્થિતિ સામાન્ય
ન થાય ત્યાં સુધી લોકોએ વિદેશથી આયાત થતી વસ્તુઓને ઉપયોગ ઘટાડવો પડશે.
મોદીએ
જણાવ્યું હતું કે, આજે પણ જરૂર છે કે, આપણે તમામ આપણું દાયિત્વ નિભાવીએ. વિદેશથી આવતા
ઉત્પાદનની સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. દેશ પર સંકટ છે. જેમ ટીપેટીપે ઘડો ભરાય છે તેમ
આપણે નાના મોટા પ્રયાસોથી એવી વસ્તુનું ઉત્પાદનનો ઓછો ઉપયોગ કરવાનો છે જે વિદેશથી આવે
છે. ભારતના ઈમ્પોર્ટનો મોટો હિસ્સો ક્રુડ ઓઈલ છે. જે ક્ષેત્રથી દુનિયાને તેલ મળે છે
તે જ ક્ષેત્ર સંઘર્ષમાં છે.
પીએમએ
ઉમેર્યુ હતું કે, જ્યાં સુધી હાલત સામાન્ય ન થાય ત્યાં સુધી આપણે સાથે મળીને સંકલ્પો
કરવા પડશે. તમારા પર તો મારો વધુ હક છે એટલે જરા હકથી કહી રહ્યો છું. મારા દેશના દરેક
નાગરિકને અપીલ છે કે જ્યા સંભવ હોય ત્યાં પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરો, મેટ્રો, ઈવી
બસ, પબ્લિક ટ્રાન્સપોર્ટનો અધિક ઉપયોગ કરો. સરકારી અને પ્રાઈવેટ ઓફિસમાં વર્ચ્યુઅલ
મીટીંગ અને વર્કફ્રોમ હોમ પ્રાથમિકતા આપો. સ્કૂલમાં થોડા સમય માટે ઓનલાઈન ક્લાસીસની
વ્યવસ્થા કરવામાં આવે.
વડોદરામાં
સરદારધામ-3ના લોકાર્પણ કાર્યક્રમમાં પીએમ મોદીનું પાટીદાર સંસ્થાઓ દ્વારા સરદાર ગૌરવ
રત્ન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું. અગાઉ આજે સવારે સોમનાથ મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠાના
75 વર્ષ પૂર્ણ થવાના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. તેમણે કહ્યું
હતું કે આજનો દિવસ બીજા કારણોસર પણ ખાસ છે. આ દિવસે, 11 મે 1998ના રોજ, દેશે પોખરણમાં
પરમાણુ પરીક્ષણ કર્યું હતું.
ત્યાર
બાદ વિશ્વભરની શક્તિઓ ભારતને દબાવવા માટે આગળ આવી હતી. પીએમએ કહ્યું કે ભારત માટે બધા
રસ્તા બંધ થઈ ગયા હતા, પરંતુ આપણે ડર્યા નહીં, આપણે અડગ રહ્યા. ભારતે પોખરણ પરમાણુ
પરીક્ષણને ઓપરેશન શક્તિ નામ આપ્યું હતું. કારણ કે શિવની સાથે શક્તિની પૂજા કરવી આપણી
પરંપરા રહી છે. હું ભગવાન સોમનાથના ચરણોમાં નમન કરું છું અને ઓપરેશન શક્તિને અભિનંદન
આપું છું.
ઉલ્લેખનીય
છે કે, આ પહેલા હૈદરાબાદમાં પણ વડાપ્રધાને દેશની જનતાને પેટ્રોલ-ડીઝલની બચત કરવા, સોનું
ન ખરીદવા તેમજ તેલના વપરાશમાં ઘટાડો કરવા અપીલ કરી હતી.