ઈરાનનો શાંતિ પ્રસ્તાવ ટ્રમ્પે ગણાવ્યો સદંતર અસ્વીકાર્ય
નવી
દિલ્હી, તા.11: અમેરિકા અને ઈરાન વચ્ચે ત્રણ મહિના કરતાય વધુ સમયથી ચાલતા તનાવ મધ્યે
અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન તરફથી આપવામાં આવેલા શાંતિ સમજૂતીનાં પ્રસ્તાવને
ઠુકરાવીને ફરી એકવાર ઊર્જા સંકટને વધુ ગંભીર બનાવી નાખ્યું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે
કહ્યું હતું કે, ઈરાન તરફથી આપવામાં આવેલો જવાબ પૂરેપૂરો અસ્વીકાર્ય છે.
બન્ને
દેશો વચ્ચે મધ્યસ્થ્તાની ભૂમિકા નિભાવતા પાકિસ્તાનનાં માધ્યમથી અમેરિકાને મોકલવામાં
આવેલા આવેલા ઈરાનનાં પ્રસ્તાવમાં યુદ્ધથી થયેલા નુકસાન માટે વળતરની માગણી અને હોર્મુઝ
ઉપર ઈરાનની સંપ્રભુતાને માન્યતા આપવાની વાત કરવામાં આવી હતી.
અમેરિકાએ
શાંતિ વાટાઘાટમાં સમજૂતી માટે જે પ્રસ્તાવ આપ્યો હતો તેની પ્રતિક્રિયામાં ઈરાને તત્કાળ
યુદ્ધ રોકવાનું આહ્વાન કર્યુ હતું અને ઈરાન ઉપર નવેસરથી કોઈ હુમલા નહીં થાય તેની ગેરન્ટી
પણ માગી હતી. આ સીવાય ઈરાને ઓઈલનાં વેચાણ ઉપરનાં પ્રતિબંધને હટાવવાની માગણી પણ કરી
હતી.
આની
સામે પ્રત્યાઘાત આપતાં ટ્રમ્પે સોશિયલ મીડિયામાં સ્પષ્ટ કર્યુ હતું કે, આ પ્રકારની
ડીલ અસ્વીકાર્ય છે. આ પહેલા ઈરાનનાં રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને કહ્યું હતું કે, અમેરિકા
સાથે વાતચીતમાં સામેલ થવાનો મૂળ ઉદ્દેશ ઈરાનનાં અધિકારોને સુરક્ષિત કરવાનો અને રાષ્ટ્રીય
હિતોની મજબૂતીથી રક્ષા કરવાનો છે. આનો અર્થ આત્મસમર્પણ કરીને પાછી પાની કરવાનો નથી.
આમ,
ફરી એકવાર અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિની આશા ઉપર પાણી ફરી વળતું દેખાઈ રહ્યું છે.
હોર્મુઝમાં જેવી રીતે જહાજો અટવાયા છે એવી જ રીતે અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટો
પણ જડતા પૂર્વક બન્ને પક્ષે અટકાવી રાખેલી હોય તેવી હાલત છે.