ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની અમેરિકા યાત્રાને આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ મહત્ત્વ મળ્યું. ખુદ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલેનિયાને લઈને શી દંપતીના સત્કાર માટે એરપોર્ટ દોડી ગયા.. 21 તોપની સલામી અપાઈ... વ્હાઈટ હાઉસમાં શાનદાર પાર્ટી... એકંદરે ચમકદમક અને મહેમાનનવાજી એવી લાગી કે ટ્રમ્પ તેમના ચીની સમકક્ષ પર ન્યોછાવર ગઈ ગયા છે. દ્વિપક્ષીય વાટાઘાટે હકારાત્મક ટોનમાં સંપન્ન થયાની જાહેરાત કરાઈ. જિનપિંગે કહ્યું કે, બંને દેશ વિશ્વની મહાસત્તા છે. તેમના વચ્ચે સ્પર્ધા નહીં, પણ મિત્રતા હોય એ દુનિયા માટે ફાયદાકારક છે. મીડિયામાં આવું બધું દેખાયું, જોવાયું, છપાયું પણ રાજદ્વારી નિષ્ણાતો માને છે કે, શિખર બેઠકની કોઈ નક્કર ફળશ્રુતિ જોવા નથી મળી. હાથ ઉષ્માસભર રીતે મળ્યા, પણ દિલ નથી મળ્યાં... દુનિયાના બે સૌથી વિશાળ અર્થતંત્ર ગાઢ રીતે એકબીજા સાથે જોડાયેલા છે. આ મુલાકાત વખતે બન્ને નેતાઓની શારીરિક ભાષાની ચર્ચા થઈ. ટ્રમ્પની વાતચીતમાં ઉમળકો હતો, સામાન્ય રીતે ડોનાલ્ડ આટલા નમતા નથી, પણ શી જિનપિંગ કાંતિલ ઠંડા સ્મિત અને મૌન સાથે રહ્યા.
અહીં
2014ની જિનપિંગની ગુજરાત મુલાકાતની યાદ તાજી થઈ. શી જિનપિંગ અમદાવાદ સજોડે આવ્યા. વડાપ્રધાન
તરીકે નરેન્દ્રભાઈ મોદીનું પહેલું વર્ષ હતું અને તેમણે શીને સજોડે હીંચકે ઝુલાવ્યા.
ગુજ્જુ વાનગીઓ ખવડાવી... બન્ને દેશ વચ્ચેનું અંતર ઓછું થશે એવી ઉમ્મીદ બંધાઈ, પણ ચીને
પોતાની ફિતરત કયાં બદલી? ગલવાન સંઘર્ષ અને પાકિસ્તાનને થાબડવાની નીતિઓને બીજિંગ વળગી
રહ્યું છે. ટ્રમ્પ માટે પણ તેમની સરકારના-પક્ષના વડેરાઓએ એવો મત દર્શાવ્યો કે, શ્રીમાન
પ્રેસિડેન્ટે આટલો અતિ ઉત્સાહ કે અતિ ઉમળકો બતાવવાની કોઈ જરૂર નહોતી.
ટ્રમ્પ-શી
મંત્રણાનું એક પરિણામ એ આવ્યું કે, અમેરિકાએ રશિયન તેલ મગાવનાર દેશો પર લાગુ કરેલો
100 ટકા ટેરિફ બે મહિના મોકૂફ રાખ્યો, પણ બંને દેશના મતભેદ અને પ્રતિદ્વદ્વિતા જેમનાતેમ
છે. અમેરિકાએ ચીન પર કેટલાય આકરા ટેરિફ ઝીંક્યા છે. ચીન દ્વારા અમેરિકી માલસામાન ખરીદીની
નીતિનો વિવાદ, રેયર - અર્થ સપ્લાય અને ચીનને અપાનારી ઉચ્ચ ટેકનોલોજી પર અમેરિકાએ પ્રતિબંધ
મૂકેલા છે.
ચીન
તાઈવાન મુદ્દે મક્કમ છે. શી જિનપિંગે અમેરિકાને સ્પષ્ટ કહ્યું કે, તે તાઈવાનના મુદ્દે
સંવેદનશીલ રીતે વર્તે અને તેની સ્વતંત્રતાનો વિરોધ કરે. બીજી તરફ અમેરિકા પણ સ્પષ્ટ
છે અને પોતાનું રક્ષણ કરવાની તાઈવાનની નીતિને સમર્થન આપે છે. જો કે, વોશિંગ્ટને તાઈવાનની
સંપ્રભુતાને ઔપચારિક મંજૂરી નથી આપી. અમેરિકા-ચીન વચ્ચે ટેકનોલોજી મુદ્દે તીવ્ર સ્પર્ધા
છે. ખાસ કરીને એઆઈ ટેકનોલોજી બેકાબૂ ગતિએ વિકસી રહી છે અને તેનાથી જાતજાતની નકારાત્મક
વાતો પણ આવી રહી છે. દુનિયામાં એઆઈ સંશોધનમાં ગતિ ધીમી થાય તેવી માંગ ઊઠી રહી છે, જેથી
માનવતા માટે કોઈ સંકટ ઊભું ન થાય. ટ્રમ્પે એઆઈને નિયમો કે નિયંત્રણમુક્ત રાખવાની હિમાયત
કરી છે, પણ શી જિનપિંગ એઆઈને માનવીય અંકુશમાં રાખવામાં માને છે. એ જોતાં ભવિષ્યમાં
આ ક્ષેત્રે બંને દેશોનો સહયોગ મુશ્કેલ જણાય છે. અમેરિકા અને બીજિંગ વચ્ચે વાતચીતનો
સેતુ મજબૂત રીતે જળવાઈ રહે એ દુનિયાના હિતમાં છે.