વીજળી, ઇન્ટરનેટ સુવિધાઓ નિશાને લીધી : ત્રણનાં મૃત્યુ
કીવ, તા. 1 : રશિયાએ યુક્રેન
ઉપર ફરી એક વખત તાબડતોડ હુમલો કર્યો હતો. જેમાં કીવ અને તેની આસપાસના વિસ્તારને મિસાઇલ
અને ડ્રોનથી નિશાન બનાવવામાં આવ્યા હતા. અધિકારીઓ તરફથી કહેવામાં આવ્યું હતું કે, આ
હુમલામાં વીજળી વ્યવસ્થા અને એક મહત્ત્વનાં ઇન્ટરનેટ કેન્દ્ર ઉપર હુમલા થયા હતા. રાતભર
ચાલેલા હુમલામાં કીવ અને ઉત્તરી વિસ્તાર બે મહિલા અને એક બાળકનું મૃત્યુ થયું હતું.
કીવના મેયર વિટાલી ક્લિચકોએ કહ્યું
હતું કે, શહેરના ગોડાઉનમાં થયેલા હુમલામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. કીવ ક્ષેત્રના
વિશહોરોદમાં ઘરના કાટમાળમાંથી બાળકનો મૃતદેહ બહાર લાવવામાં આવ્યો હતો જ્યારે ત્રણ લોકોને
બચાવવામાં આવ્યા હતા. આ જાણકારી ક્ષેત્રીય સૈન્ય પ્રશાસનના પ્રમુખ તિમુર તકાચેંકોએ
આપી હતી. ઓગસ્ટના અંતથી રશિયાએ યુક્રેન ઉપર હવાઈ હુમલામાં વધારો કર્યો છે. જેનાથી યુક્રેન
ઉપરનું દબાણ વધ્યું છે. શિયાળો નજીક હોવાથી રશિયા વારંવાર ઊર્જા સંયંત્રો, સબસ્ટેશન
અને સંબંધિત સુવિધાઓને નિશાને લઈ રહ્યું છે.