સૌરાષ્ટ્રની પ્રજાની વાચા, વિચારધારા તરીકે પ્રખ્યાત વર્તમાનપત્ર ‘ફૂલછાબ’ તેના આરંભના 105 વર્ષ પૂર્ણ કરીને 106મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. આ વાચકોની વસતીનો ઉત્સવ છે. વૈશ્વિક અને રાષ્ટ્રીય સ્તરે અત્યંત ગતિથી થઈ રહેલાં પરિવર્તનની વચ્ચે પણ ફૂલછાબે પોતાની યાત્રા નિરંતર ચાલુ રાખી છે. 1921માં આ જ દિવસે અમૃલલાલ શેઠે રાણપુરથી ‘સૌરાષ્ટ્ર’ નામે પ્રગટાવેલી પત્રકારત્વની જ્યોત આજેય સૌરાષ્ટ્ર પ્રાંતની પ્રજાના હિત માટે પ્રજ્જવલી રહી છે. ‘સૌરાષ્ટ્ર’, ‘રોશની’, ‘ફૂલછાબ...’ એ ઈતિહાસ જાણીતો છે અને આજના અંકની સાથેની પૂર્તિમાં પણ છે. આ બધા દૌરની વચ્ચે ફૂલછાબ અવિચળ રહીને પરિવર્તનશીલ રહ્યું, બદલાઈને પણ સ્થિર રહ્યું છે.
હંમેશાં
‘ફૂલછાબ’ સૌરાષ્ટ્રનો અવાજ બની રહે તેવા પ્રયાસ રહ્યા છે. ‘ફૂલછાબ’ને વર્ષ 1971માં
પચાસ વર્ષ પૂર્ણ થયા ત્યારના વિશેષાંકમાં તંત્રી સ્વ.શ્રી હિંમતલાલ પારેખે લખ્યું હતું,
‘સૌરાષ્ટ્ર સાપ્તાહિકે રોતાં ઝરણાના અશ્રુ લ્હોવાનું કર્તવ્ય બજાવી જાણ્યું છે. જ્યાં
મુસીબત ડોકાય, જ્યાં દુષ્કાળ દેખા દે, જ્યાં સામાજિક રુઢિમાં પિસાતા લોકોનો અવાજ ઊઠે
ત્યાં સૌરાષ્ટ્ર સાપ્તાહિકના શૂરા લડવૈયાઓની ફોજ હાજરાહજૂર હોય. સૌરાષ્ટ્ર પત્ર અને
સૌરાષ્ટ્રનું જાહેરજીવન આ રીતે એકસાથે સૌરાષ્ટ્રમાં શરૂ થયા અને વિકસ્યા છે.’ આ લખાયાના
55 વર્ષ પછી પણ જગતના, સમાજના પત્રકારત્વના તથ્યો બદલાયાં છે પરંતુ ફૂલછાબનું સત્વ
અને તત્વ તો આ જ છે.
1947માં
સૌરાષ્ટ્ર રાજ્ય રચાયું, ’56માં મુંબઈ દ્વિભાષી રાજ્યમાં ભળ્યું ત્યારે આપણે ઉદ્યોગોની
હજી તો સ્થાપના કરી રહ્યા હતા. સિંચાઈના પાણીના પ્રશ્નો ઘણા વિકટ હતા. 1967 હોય,
77 કે 87 કે પછી 1999 દુષ્કાળ કે પાણીની તંગીનો પડકાર હંમેશાં સૌરાષ્ટ્રના વિકાસને
અવરોધતો રહ્યો. પશુઓ અને માણસોએ સ્થળાંતર કરવું પડતું. ઔદ્યોગિકરણ શરૂ થયું તો તમામે
વીજળીની કટોકટીનો સામનો પણ કરવો પડયો. આવી સ્થિતિમાં પણ રાજકોટમાં ઓઈલ એન્જિન અને ઓટો
પાર્ટ્સ, મોરબીમાં સિરામિક ઉદ્યોગ, જામનગરમાં બ્રાસ ઉદ્યોગ, દરિયાકાંઠે સિમેન્ટ ઉદ્યોગ
જેવા ઉદ્યોગો સ્થપાયા, વિકસ્યા. ‘ફૂલછાબ’ આ તમામનું સાક્ષી રહ્યું તેટલું જ નહીં, આ
ઉદ્યોગકારો જ્યારે પોતાના પ્રશ્નો લઈને આવ્યા ત્યારે ‘ફૂલછાબ’ સરકાર અને તેમની વચ્ચે
કડી બન્યું.
સૌરાષ્ટ્રમાં
દુષ્કાળ પડયા તો તેના સમાચાર પ્રકાશિત કરીને ‘ફૂલછાબ’ અટક્યું નહીં. ફૂલછાબે જળસેવા
કરી. કારગિલમાં લડીને માતૃભૂમિની રક્ષા કરનાર સૈનિકો માટે આર્થિક ભંડોળ ઊભું કરવામાં
જન્મભૂમિ વર્તમાનપત્રો અગ્રસર રહ્યાં. ફૂલછાબે કોરોનાના સમયે પણ સૌરાષ્ટ્રની પ્રજાની
પીડા અનુભવી અને તેમાં રાહત આપવાની સતત કોશિશ કરી. આ બધું વિશુદ્ધ પત્રકારત્વની સાથે
થયું છે. સમાજલક્ષી કાર્યો થઈ રહ્યાં છે અને વર્તમાન સમયમાં પણ ‘ફૂલછાબ’ સમાજને હાનિકારક
ન હોય તેવું પત્રકારત્વ કરી રહ્યું છે. આજે સૌરાષ્ટ્ર બદલાયું છે, જૂની સમસ્યા ઉકેલાઈ
છે પરંતુ નવા પડકારો સામે ઊભા છે અને તેની સામે લોકોની સાથે અડીખમ ઊભું છે સૌરાષ્ટ્ર
ટ્રસ્ટના જન્મભૂમિ વર્તમાનપત્ર જૂથનું ‘ફૂલછાબ’.
પાણીની
તંગી અહીં એવી હતી કે દસ લાખ લોકોની વસતી ધરાવતું રાજકોટ ફક્ત ભૂગર્ભજળ પર નિર્ભર હતું.
વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્ટિથી સાકાર થયેલી નર્મદા પાણી આધારિત
‘સૌની’ યોજનાએ સૌરાષ્ટ્રને પાણીની અછત જેવી સ્થિતિ મહદઅંશે વિસરાવી દીઘી છે. આજનું
સૌરાષ્ટ્ર ગુજરાતની સર્વપ્રથમ અને હજી સુધી એક માત્ર એઈમ્સ હોસ્પિટલ ધરાવતો વિસ્તાર
છે. આંતરરાષ્ટ્રીય ઊડાન શરૂ થઈ નથી પરંતુ વધારે સુવિધા ધરાવતું એરપોર્ટ આજે સૌરાષ્ટ્રમાં
છે. રસ્તાના સારાં આયોજન અને અમલ થયા છે, તેમાં ક્યાંક ફરિયાદો પણ છે. ગિરનું જંગલ,
ગિરનારનો રોપવે, સોમનાથ-દ્વારકાનો વિકાસ, દરિયાની લગોલગ અદ્યતન હાઈ-વે, જામનગરથી અમૃતસરનો
મહામાર્ગ, જામનગરમાં વિશિષ્ટ ચિકિત્સા- સંશોધન કેન્દ્ર, ભાવનગર રો-રો સર્વીસ તે આજનું
સૌરાષ્ટ્ર છે. સૌરાષ્ટ્રના મુખ્ય મહાનગર રાજકોટને આધુનિક રુપ આપવામાં પૂર્વ મુખ્યમંત્રી
સ્વ. વિજય રુપાણીનું યોગદાન મોટું છે. વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અનુરાગ
પણ સૌરાષ્ટ્ર માટે ઓછો નથી. સૌરાષ્ટ્રની આ વિકાસયાત્રામાં ફૂલછાબ સાથી અને સાક્ષી રહ્યું.
સૌરાષ્ટ્રના અંતરિયાળ ગામના કોઈ પરિવારની પુત્રીની રમતક્ષેત્રે સિદ્ધિ આજેય ફૂલછાબમાં
સારી રીતે પ્રસિદ્ધિ પામે છે અને શિક્ષણની, કળાની, સંસ્કારવિધાનની અમે ચિંતા કરીએ છીએ.
105 વર્ષથી ચાલી આવેલી આ નિરંતર યાત્રા છે.
અમૃતલાલ
શેઠ, ઝવેરચંદ મેઘાણી અને તેમની સાથે રહેલા સંનિષ્ઠ કલમકર્મીઓએ, સૌ પૂર્વસુરિઓએ આ સંસ્થાનનો
પાયો નાંખ્યો છે અને તેને તે પછીથી દૃષ્ટિવંત તંત્રીઓ, સમર્પિત વ્યવસ્થાપકોએ વધારે
મજબૂત બનાવ્યો. તે સૌનું અહીં સ્મરણ છે. સૌ સૌરાષ્ટ્ર ટ્રસ્ટને ચીમનભાઈ શાહ, ધીરુભાઈ
મહેતા, પ્રવીણચંદ્ર ગાંધી, દામજીભાઈ એન્કરવાલા સહિતના વ્યક્તિત્વો ટ્રસ્ટીરુપે મળ્યા.
વર્તમાન મેનાજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણિયા અને તમામ ટ્રસ્ટીઓ સૌરાષ્ટ્ર ટ્રસ્ટના
વર્તમાનપત્રોને તેના મૂલ્યો, સિદ્ધાંતો અવિચળ રાખીને આધુનિક પરિવેશમાં ઢાળી રહ્યા છે
તે ફૂલછાબ પરિવાર માટે ભરપૂર આશા અને આનંદ આપનારી બાબત છે.
આ સમગ્ર યાત્રા દરમિયાન જન્મભૂમિ જૂથના વર્તમાનપત્રોના
મુખ્યતંત્રી, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, પદ્મભૂષણ કુંદનભાઈ વ્યાસના અનુભવ અને માર્ગદર્શન
ફૂલછાબને સાંપડતા રહ્યા છે તેનું ગૌરવ છે. પ્રીન્ટ મીડિયાને સમગ્રતયા પડકારનો સામનો
કરવો પડી રહ્યો છે. વીજાણુ માધ્યમો, ડિજિટલ મીડિયાની આંધી વચ્ચે પણ ફૂલછાબે વાચકોમાં-
પ્રજામાં પોતાના પ્રત્યેનો વિશ્વાસ જાળવી રાખ્યો છે તે નિ:શંક છે. સામાજિક નિસબતના
ભોગે ફૂલછાબ લોકપ્રિય થવા હવાતિયાં ક્યારેયે નથી મારતું. સમયની જરૂરત સમજીને હવે ફૂલછાબ
છેલ્લા એક વર્ષથી ડિજિટલ માધ્યમો ઉપર છે. ‘એપ્લિકેશન’ સ્વરુપે પણ જન્મભૂમિ જૂથના તમામ
વર્તમાનપત્રો હવે પ્રાપ્ય છે. ફૂલછાબની આ યાત્રા અવિરત છે.
આજના
અંકની સાથે દર વર્ષની જેમ એક વિશેષાંક પણ છે. ‘પ્રવાહ’ વિષય ઉપર તેમાં વિવિધ લેખો છે.
આ વિશેષ પૂર્તિ અને દૈનિક વર્તમાનપત્ર કે પૂર્તિઓ માટે ફૂલછાબના તમામ વિભાગ- તંત્રી
વિભાગ, વ્યવસ્થાપક અને વ્યવસ્થા વિભાગ, જાહેરખબર વિભાગ, સર્ક્યુલેશન વિભાગ, વહીવટી
વિભાગ, કમ્પ્યુટર- ફોટો ક્મ્પોઝ વિભાગ, પ્રોસેસ અને પ્રિન્ટીંગ મશીન વિભાગ ઉપરાંત અમારા
પ્રતિનિધિઓ, એજન્ટ-વિતરકો, વિજ્ઞાપનકર્તાઓ અને વિજ્ઞાપનની એજન્સીઓ સાતત્યપૂર્ણ પરિશ્રમ
કરે છે તેમને ધન્યવાદ પાઠવવાં જ રહ્યા. વિશેષાંક માટે લેખ મોકલનાર તમામ લેખકો-લેખિકાઓનો
પણ અમે અંત:કરણપૂર્વક આભાર માનીએ છીએ અને અમારા વાચકો- જેના વગર આ બધું જ અધૂરું છે
તેને આ મંગળ દિવસે અનુરોધ કરીએ છીએ કે તમે ફૂલછાબના છો, ફૂલછાબ તમારું છે. આમને આમ
વર્ષોવર્ષ સાથે રહેજો. 108 મણકાની માળા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. સૌને ગાંધી જયંતી,
શાસ્ત્રીજી જયંતી અને ફૂલછાબ આરંભ દિવસની શુભેચ્છા.