• શુક્રવાર, 02 ઑક્ટોબર, 2026

એકથી વધુ મેમો બાકી ? વાહન જપ્તીનું જોખમ

સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ફેંસલો : 23000 કરોડની ચલણની બાકી વસૂલાત માટે રાજ્યોને આકરા પગલાં લેવાનો નિર્દેશ

 

નવી દિલ્હી, તા.1: ટ્રાફિક નિયમભંગનાં મેમો-ચલણ ન ભરનારા વાહનચાલકોની હવે ખેર નથી. સુપ્રીમ કોર્ટે એક નિર્ણયમાં કહ્યું છે કે, જો કોઈ વાહનચાલક મેમો નહીં ભરે તો તેનું વાહન જપ્ત પણ થઈ શકે છે.  કોર્ટે કહ્યું હતું કે, આશરે 23 હજાર કરોડ રૂપિયાથી વધુના મેમો બાકી છે. તેની વસૂલાત કરવી જરૂરી છે. કોર્ટે આદેશ આપ્યો કે રેન્ડમ રીતે વાહનોની તપાસ કરવામાં આવે અને જે વાહનોના ચલણ ભરવામાં આવ્યા નથી, તેમને જપ્ત કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવે.

એક કેસની સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું કે માત્ર ઈ-મેમો જારી કરવાથી સમસ્યાનો ઉકેલ આવવાનો નથી. કોર્ટે કહ્યું કે એક વ્યવસ્થિત સિસ્ટમ તૈયાર કરવી પડશે. તમામ રાજ્યોને કડક સૂચના આપવામાં આવે છે કે ચલણની વસૂલાત માટે વાહન જપ્ત કરવાની રીત અપનાવવામાં આવે.  કોર્ટના નિર્ણય મુજબ એવા લોકોનાં વાહનો જપ્ત કરી શકાય છે, જેમના વારંવાર ઈ-ચલણ કપાઈ રહ્યા છે અને તેની ચુકવણી કરતા નથી. એટલે કે, જે વાહન પર એક કરતાં વધુ ઈ-ચલણ બાકી છે, પોલીસ તેમનું વાહન જપ્ત કરી શકે છે. પોલીસ રસ્તા પર દોડતાં વાહનોની રેન્ડમ રીતે તપાસ કરી શકે છે. એટલે કે, પોલીસની તપાસ દરમિયાન જો કોઈ વાહન પર બાકી ઈ-ચલણ મળી આવે, તો તેને જપ્ત કરી શકાય છે.

સર્વોચ્ચ અદાલતે પોતાના નિર્ણયમાં જણાવ્યું છે કે ચલણની વસૂલાત માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ કડક પગલાં લેવા જોઈએ. તેમાં ઓનલાઈન વાહન સંબંધિત સેવાઓને ફ્રીઝ કરવી, વાહનની માલિકીનું ટ્રાન્સફર રોકવું, ફિટનેસ અને પીયુસી પ્રમાણપત્ર આપવાનો ઇનકાર કરવો તેમજ પરિવહન પોર્ટલ પર વાહનોને બ્લેકલિસ્ટ કરવા જેવા પગલાંનો સમાવેશ થાય છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક