• શુક્રવાર, 02 ઑક્ટોબર, 2026

જ્ઞાનેશ કુમાર સામે શત્રો સજાવતો વિપક્ષ


ઈન્ડિયા ગઠબંધનની મોટી બેઠક : 2 ઓક્ટોબરથી આંદોલનનાં મંડાણ : મોદી સરકાર ઉપર વોટબંધીનો આરોપ

 

નવીદિલ્હી,તા.30: ચૂંટણીપંચમાં મતદાર યાદીનાં ઘનિષ્ઠ સુધારણા(સર) કાર્યક્રમની વ્યવસ્થા મુદ્દે મતભેદ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની મનમાની મુદ્દે આજે રાજધાની દિલ્હીમાં યોજાયેલી ઈન્ડિયા બ્લોકની સંકલન બેઠક આશરે સાડા ત્રણ કલાક સુધી લાંબી ચાલી હતી અને પછી વિપક્ષી દળોએ ચૂંટણી પંચ અને લોકશાહી સંસ્થાઓને લઈને સરકાર પર નિશાન સાધતાં દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નોટબંધીની જેમ સરકાર ઉપર વોટબંધીનો આરોપ લગાવતા કહ્યું હતું કે, વિપક્ષ એકજૂથ થઈને આગળની લડાઈ લડશે. મમતા બેનરજી, ઉદ્ધવ ઠાકરે અને હેમંત સોરેન સહિત વિવિધ પક્ષોના અનેક નેતાઓએ બેઠકમાં હાજરી આપીને પોતાના વિચારો રજૂ કર્યા હતા.

મલ્લિકાર્જુન ખડગેએ બેઠક પછી કહ્યું હતું કે, ઈન્ડિયા બ્લોકના નેતાઓ અને કાર્યકરો 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી જિલ્લા સ્તરે લોકતંત્ર બચાવો કૂચ કાઢશે. આ ઉપરાંત, 6 ઓક્ટોબરે વિપક્ષી સાંસદો ચૂંટણી પંચ સુધી માર્ચ કરશે. વિપક્ષી નેતાઓ ઓક્ટોબરના બીજા સપ્તાહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત માટે સમય માંગશે અને સંસ્થાઓ સાથે જોડાયેલા મુદ્દાઓ તેમની સમક્ષ રજૂ કરશે. તેમણે જણાવ્યું કે ઓક્ટોબર અને નવેમ્બરમાં પાંચ મોટી રેલીઓ પણ યોજવામાં આવશે. તેની તારીખ અને સ્થળ બાદમાં નક્કી કરવામાં આવશે. ખડગેના જણાવ્યા અનુસાર, 1 નવેમ્બરે દિલ્હીમાં એક મોટી રેલી યોજવાની યોજના છે. તેમણે કહ્યું કે હવે દરેક વ્યક્તિ એ વાત સ્વીકારી રહ્યો છે કે રાહુલ ગાંધી અને દીદી (મમતા બેનર્જી) અગાઉથી જે વોટ ચોરીનો મુદ્દો ઉઠાવતા આવ્યા છે, તે સાચો છે.

કોંગ્રેસ અધ્યક્ષે આરોપ લગાવ્યો કે લોકશાહી સંસ્થાઓને નબળી બનાવવામાં આવી રહી છે અને ચૂંટણી પંચ સરકારના પ્રભાવ હેઠળ કામ કરી રહ્યું છે. ખડગેએ કહ્યું કે વિપક્ષી પક્ષો આ મુદ્દાઓ પર એકસાથે અવાજ ઉઠાવશે. તો પશ્ચિમ બંગાળનાં પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજીએ જણાવ્યું કે જ્યાં સુધી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર રાજીનામું નહીં આપે ત્યાં સુધી વિપક્ષનું વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજીનામાની પણ માંગ કરી. મમતાએ ચૂંટણી પંચ અને ઈવીએમને લઈને ગંભીર આરોપો લગાવ્યા હતાં અને કહ્યું કે લોકશાહીને બચાવવા માટે વિપક્ષનું આંદોલન લાંબા સમય સુધી ચાલુ રહેશે. તેમણે વિદ્યાર્થીઓ, યુવાનો અને પત્રકારોને પણ સમર્થન આપવા અપીલ કરી.

જ્યારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે તમામ નેતાઓ લોકશાહીને નુકસાન પહોંચાડવા માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે કોઈ વ્યક્તિનું પદ કે કદ કાર્યવાહી કરવામાં અડચણરૂપ ન બનવું જોઈએ. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે વિપક્ષ લોકો સુધી એ વાત પહોંચાડવામાં સફળ રહ્યો છે કે ચૂંટણીમાં કથિત રીતે ગેરરીતિ થઈ રહી છે અને નરેન્દ્ર મોદી તથા અમિત શાહ પર લોકશાહીને નુકસાન પહોંચાડવાના આરોપો લગાવ્યા હતાં. તેમણે કહ્યું કે ખાસ કરીને યુવાનોમાં આ મુદ્દાને લઈને વિરોધની ભાવના વધી રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક