• શુક્રવાર, 02 ઑક્ટોબર, 2026

‘ઉઘાડી લૂંટ’ સામે ‘સર્વોચ્ચ ઈન્જેક્શન’

દેશમાં દવાના અત્યંત ઊંચા અને અનિશ્ચિત ભાવ તથા હોસ્પિટલોની કાર્યપદ્ધતિ સામે સુપ્રીમ કોર્ટે આંખ લાલ કરી છે. સમાજની અનિવાર્ય વ્યવસ્થા હોવા છતાં અને કદાચ તો એટલે જ સ્વાસ્થ્ય ક્ષેત્ર કોઈને કોઈ રીતે ચર્ચામાં રહે છે. કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો છે કે દવાની ‘એમ.આર.પી.’ તેની ‘હોલસેલ’ કિંમત કરતાં 16 ટકાથી વધારે શા માટે હોય છે ? દરેક દવા ઉપર મહત્તમ 16 ટકાનો ગાળો રહે તે મર્યાદા શા માટે નક્કી થતી નથી? દવાની વધારે કિંમત વસુલવાની વૃત્તિને દેશની સર્વોચ્ચ અદાલતે ‘સામૂહિક સંહાર’ ગણાવી છે જેના ઉપરથી સમજી શકાય કે આ કેટલો ગંભીર મામલો છે.

કેન્સરના દરદી માટેની રૂ. 2700માં મળતી દવાના રૂ. 27000 વસુલાતા હોવાની જે વાત સામે આવી છે તે અંગે અત્યંત આકરું વલણ દાખવીને કોર્ટે કહ્યું કે આ તો ધોળે દહાડે થતી જાહેર લૂંટ છે. કેન્દ્ર સરકારે આમાં હસ્તક્ષેપ કરવો રહ્યો. કોર્ટે કહ્યું, કોર્પોરેટ હોસ્પિટલ કોઈના ઉપર ઉપકાર નથી કરતા. પોતાને ત્યાં જે દરદી નિદાન કરાવે કે સારવાર લે તેમને ત્યાંથી જ દવા લેવા માટે શા માટે મજબૂર કરાય છે તેવો સવાલ પણ કેન્દ્ર સરકારને કર્યો છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે આ સંદર્ભે સંતુલિત સમાધાનની જરૂર છે. આનો એક અર્થ તો એ થાય કે આના વિશે અત્યાર સુધી કોઈ વિચાર ગંભીરતાથી થયો નથી.

નિજી ક્ષેત્રની હોસ્પિટલો, કેટલાક ડોક્ટરોની કાર્યપદ્ધતિ વગેરે વિશે લોકોમાં સતત ચર્ચા થતી હોય, માધ્યમોમાં પણ કિસ્સા ઉજાગર થતા રહે પરંતુ જ્યારે સુપ્રીમકોર્ટ આ અંગે વિશેષ રીતે કંઈ કહે અને કરે ત્યારે સ્થિતિનું ગાંભીર્ય સમજી શકાય છે. તબીબી ક્ષેત્ર માટે દેશભરમાં આ પ્રકારના અનુભવ અને ચર્ચા થઈ રહ્યાં છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું તે અનુસાર કોર્પોરેટ હોસ્પિટલ સેવા નથી કરતી પરંતુ ઉદ્યોગની જેમ કામ કરે છે. અલબત્ત, કોઈ પણ વ્યવસાયમાં આર્થિક પાસું હોય, ડોક્ટર કે હોસ્પિટલ સંચાલક પૈસા કમાય તેની સામેનો આ મુદ્દો જ નથી. સવાલ તે પછી ગુણવત્તાયુક્ત સેવા-સારવારનો છે. સારવાર કે ઓપરેશન કે હોસ્પિટલમાં થતા રોકાણ માટે વસૂલાતી રકમમાં થતા અતિરેક ઉપર નિયંત્રણ હોવું જોઈએ.

કેટલીક મલ્ટિસ્પેશ્યાલિટી- કોર્પોરેટ હોસ્પિટલનું નામ પડે ત્યાં જ દરદીના ખબર પૂછનાર કહે ‘ઓ હો....તો તો મોટા ખાડામાં ઉતરી જશો.’  બે - ત્રણ દિવસની બીમારીમાં લાખોનું બિલ, તમામ પ્રકારના તબીબી પરીક્ષણ એ બધું કાયમનું થઈ ગયું છે. સરેરાશ વ્યક્તિને તબીબી પરિભાષામાં બહુ ખબર ન પડે એટલે મોંઘા ટેસ્ટ તે કરાવે. સરકારી હોસ્પિટલો છે પરંતુ ત્યાં વ્યવસ્થાપનના પ્રશ્નો છે. સૌરાષ્ટ્રમાં ટ્રસ્ટની હોસ્પિટલો છે જેઓ ખરેખર સેવાયજ્ઞ ચલાવે છે. સાવરકુંડલાની લલ્લુભાઈ શેઠ હોસ્પિટલમાં સારવાર માટે કોઈ પ્રકારની ફી લેવાતી નથી, રાજુલાનું મહાત્મા ગાંધી આરોગ્ય કેન્દ્ર કે રાજકોટની પંચનાથ હોસ્પિટલ બીજે મોંઘી પડતી સારવાર સામાન્ય માણસને પરવડે તે રીતે આપે છે. રાજકોટમાં તો હવે એઈમ્સ પણ છે. છતાં વસતીની સાપેક્ષમાં હોસ્પિટલોની જરૂર વધારે છે. સરકારે સારવાર અને દવા બન્ને બાબતે ધ્યાન આપવું જોઈએ. હોસ્પિટલ સંચાલકો અને ફાર્મા કંપનીઓ સાથે સંવાદ કરી, તેમનું વ્યાવસાયિક હિત પણ ન જોખમાય અને તેઓ પોતાની રીતે ન વર્તે તેવો વચ્ચેનો રસ્તો કાઢવો જોઈએ. દવાના ભાવનો આધાર સુનિશ્ચિત કરવો જોઈએ. સૌથી અગત્યની વાત એ છે કે દવા તો આવશ્યક ચીજ વસ્તુ ધારા અંતર્ગત આવે છે તો પછી તેના ભાવ મનઘડંત રીતે નક્કી થાય તેવું કઈ રીતે ચાલે? કોર્પોરેટ હોસ્પિટલો જેનરિક દવા કેમ ન ઉપયોગમાં લે તે સવાલ પણ અગત્યનો છે.

આ ગંભીર મુદ્દો છે, આખરે તો સવાલ દેશના સ્વાસ્થ્યનો છે.

ઇ-પેપરના નવા શુલ્ક