• ગુરુવાર, 21 સપ્ટેમ્બર, 2023

ભારતની લોકશાહી : રાહુલ ગાંધીના આક્ષેપને રદિયો

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેરિકાની ધરતી ઉપરથી ભારતમાં લોકશાહી ખતરામાં હોવાનો, ખતમ થવાનો કાગારોળ મચાવી રહ્યા છે ત્યારે એમનું નામ પાડયા વિના અમેરિકાએ જ રાહુલના આક્ષેપને રદિયો આપ્યો છે. વ્હાઈટ હાઉસે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ભારત એક જીવંત લોકશાહી છે અને કોઈપણ વ્યક્તિ દિલ્હી જઈને તેની ખાતરી કરી શકે છે. ભારતની લોકશાહી પર સવાલ ઉઠાવનારા વિદેશી પત્રકારોને અમેરિકાએ આમ જડબાતોડ જવાબ આપ્યો છે.

વ્હાઈટ હાઉસે ભારતીય લોકતંત્રની પ્રશંસા કરતાં જે કંઈ કહ્યું છે તે સ્વાગત યોગ્ય છે, એટલું જ નહીં ભારતવિરોધી દેશોને પણ સ્પષ્ટ જવાબ છે કે અમેરિકા ભારતની લોકશાહીને સંપૂર્ણ સમર્થન આપે છે અને કોઈ આક્ષેપ-કુપ્રચાર સ્વીકાર્ય નથી.

ભારતીય લોકતંત્ર 75 વર્ષની પોતાની સફર પૂર્ણ કરી ચૂક્યું છે અને દુનિયા આજે જો તેની પરિપક્વતા અને સમાવેશતાને સલામ કરી રહી છે, તો તે આપણા બંધારણને લઈને છે. બંધારણે હાંસિયામાં ગરીબો અને મહેલોમાં જન્મેલા નાગરિકોને કોઈ ફરક નથી રહેવા દીધો. વીતેલાં 75 વર્ષોમાં હાંસિયામાં ધકેલાયેલા સમાજોએ શાસનના કેન્દ્રમાં પોતાનું કેવું ગરિમાભર્યું સ્થાન બનાવ્યું છે - રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ એનું સૌથી મોટું પ્રતીક છે. આ સાડા સાત દશકાઓમાં સત્તાઓ બદલાઈ, શાસક બદલાયા પણ એક નાનો સમયગાળો બાદ કરતા દેશના રાજનૈતિક નેતૃત્વએ પક્ષ-િવપક્ષની ભૂમિકામાં અહીં લોકતંત્રનાં મૂળોને સીંચવાનું જ કામ કર્યું છે. જ્યારે આપણા પડોશના નાના દેશ જ્યારે આ શાસન પ્રણાલીને

સંભાળવામાં નિષ્ફળ જણાય છે ત્યારે આપણે એક દીવાદાંડીની જેમ છીએ.

નિ:સંદેહ આપણે ત્યાં વિશ્વની સૌથી મોટી ગરીબ વસ્તી છે અને તેના માટે ભરપેટ ભોજન અને સન્માનજનક જીવનનાં સાધન ઉપલબ્ધ કરાવવાની પ્રાથમિક્તા એક મોટો પડકાર છે પણ આપણે સ્વતંત્રતાનાં આટલાં વર્ષોમાં આપણી સિદ્ધિઓથી વિશ્વને ચોંકાવ્યું છે જ્યારે રાહુલ ગાંધીને આ બધું દેખાતું નથી અને તેઓ ભારતની ટીકાના એકમાત્ર મુદ્દાને વિદેશ પ્રવાસ દરમિયાન વળગી રહ્યા છે. વાસ્તવમાં લોકતંત્રને લઈ વ્હાઈટ હાઉસનું નિવેદન કૉંગ્રેસના ‘યુવરાજમાટે એક ભારે લપડાક છે. અમેરિકાએ તેમના કહ્યા-કર્યા પર પાણી ફેરવી વાળ્યું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતનું લોકતંત્ર સુરક્ષિત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં અમેરિકાની રાજકીય મુલાકાતે જઈ રહ્યા છે. આ દરમિયાન તેઓ કૉંગ્રેસના સંયુક્ત સત્રને જ ‘સંબોધિતકરવાના છે. આવી સ્થિતિમાં વડા પ્રધાન મોદીનું અમેરિકામાં કેવું ભાવભીનું સ્વાગત થાય છે તે ભણી વિશ્વની નજર રહેવાની અને આ દરમિયાન અમેરિકામાં રાહુલના ભારત અને મોદી વિશેનાં નિવેદનોની કોઈ અસર ત્યાં રહેતા

ભારતીયો અને ત્યાંના દેશવાસીઓ પર નથી પડી તે સ્પષ્ટ થઈ જાય. કૉંગ્રેસ અને યુવરાજે બીજી લપડાક માટે પણ તૈયાર રહેવું પડશે.