• સોમવાર, 06 મે, 2024

આશાનાં અમીછાંટણાં 

ગયા વર્ષના નબળા ચોમાસા પછી આ વર્ષે સામાન્ય કરતા વધુ સારો વરસાદ થવાની હવામાન ખાતાની અને સ્કાયમેટની આગાહી ઉત્સાહપ્રેરક છે. લાંબા ગાળાની (છેલ્લાં પચાસ વર્ષની) સરેરાશ, જે હાલ 868.6 મીલીમીટર છે, તેના 96 ટકાથી 104 ટકા જેટલો વરસાદ સામાન્ય ગણાય છે. હવામાન વિભાગે 106 ટકા વરસાદની આગાહી કરી છે. આ તેનો પ્રથમ વર્તારો છે. મે મહિનામાં બીજા વર્તારામાં તે મહિનાવાર અને વિસ્તારવાર વરસાદની આગાહી પૂરી પાડશે. હવામાનખાતાની આગાહી સાચી પડે જ એવું નથી. ગયે વર્ષે તેણે સામાન્ય ચોમાસાની આગાહી કરી હતી, પણ વાસ્તવિક વરસાદ તેનાથી ઓછો, 94 ટકા જ હતો. તેની અગાઉના વર્ષે 99 ટકાની આગાહી સામે 106 ટકા વરસાદ થયો હતો. પરંતુ આ વર્ષે આશાવાદ સેવવાનાં બેત્રણ મજબૂત કારણ છે. પૂર્વીય પ્રશાંત મહાસાગરમાં ગયે વર્ષે ચોમાસા પર પ્રતિકૂળ અસર કરનાર અલ નિનોની સ્થિતિ સમાપ્ત થઇ રહી છે, જયારે ભારતીય ઉપખંડમાં વરસાદને માટે ઉપકારક એવી લા નીના પરિસ્થતિ મધ્ય પ્રશાંત મહાસાગરમાં જુલાઈ સુધીમાં આકાર લે તેવી સંભાવના ઉજળી છે. ભારતીય ઉપખડમાં વરસાદ પર અલ નિનો કરતાં પણ વધુ પ્રભાવ ધરાવનાર ઇન્ડિયન ઓશન ડાયપોલની સ્થિતિ સકારાત્મક બની રહી હોવાના અહેવાલ છે. 

ભારત માટે ચોમાસાનું મહત્ત્વ જેટલું આંકીએ એટલું ઓછું છે. ગયે વર્ષે વરસાદ અપૂરતો હોવાથી 2023-24માં કૃષિ ક્ષેત્રનો વિકાસદર 4.7 ટકાથી ઘટીને 0.7 ટકા થઇ જવાનો અંદાજ છે. રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો 17.6 ટકા જેટલો નાનો છે, પરંતુ ખેતીની 55-60 ટકા આવક વરસાદ-આધારિત જમીનમાંથી આવે છે. દેશની 1414 લાખ હેકટર ખેતીલાયક જમીનમાંથી અડધા કરતાં વધારે વરસાદ પર આધારિત છે. આ સંજોગોમાં સારું ચોમાસુ માત્ર ખરીફ જ નહિ, રવી પાકને પણ ઉપકારક છે. પાક સારો ઉતરે તો ખોરાકનો ફુગાવો કાબૂમાં આવે અને રિઝર્વ બેન્કનો માથાનો દુખાવો ઓછો થાય. છેલ્લા ઘણા મહિનાથી હાર્દરૂપ ફુગાવો ચારફ ટકાની અંદર હોવા છતાં એકંદર ફુગાવો મચક નથી આપતો તે માટે ખાધાખોરાકીના ઊંચા ભાવ જવાબદાર છે. દેશનાં મોટાં જળાશયોમાં પાણી ખૂટવાથી તળિયાં દેખાય છે તે પાછાં ભરાય તો ખાસ કરીને દક્ષિણનાં રાજ્યોમાં પ્રજાને ત્રાહિમામ પોકરાવતું જળસંકટ હળવું થાય. ખાદ્ય પદાર્થોની પરિસ્થિતિ સામાન્ય થાય તો સરકાર કૃષિ પેદાશોની નિકાસ પરના પ્રતિબંધો ઉઠાવી શકે અને ભારત વિદેશી બજારોમાં ફરીથી વિશ્વાસપાત્ર સપ્લાયર તરીકેનું સ્થાન જમાવી શકે.  

બે મુદ્દા નોંધવા જેવા છે. એકંદર વરસાદ વધુ પડવાની આગાહીથી એકદમ હરખાઈ જવા જેવું નથી; ખરું મહત્ત્વ વરસાદની ભૌગોલિક અને સામાયિક (મહિનાવાર) વહેંચણીનું છે. તે તો નીવડ્યે જ વખાણ. બીજું, ચોમાસુ સારું હોય તો પણ આબોહવા પરિવર્તન સામેની ઝુંબેશ ઢીલી પડવા દેવાય નહિ. અતિવિષમ હવામાનની ઘટનાઓ વધી છે અને વધતી રહેવાની છે. તેની પ્રતિકૂળ અસર વાતાવરણ, તાપમાન, ખેતી, પાક, અર્થતંત્ર અને જનજીવન પર પડે છે. સારા ચોમાસામાં જળાશયોમાં જળસંગ્રહ વધારવો અને લાંબે ગાળે ખેતીમાં પાણીનો વપરાશ ઘટે તેના પર નીતિકારોએ ધ્યાન કેન્દ્રિત કરવા જેવું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક