• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

રેલ દુર્ઘટના : થવાનું હતું તે થયું, હવે શું ?

પશ્ચિમ બંગાળમાં માલગાડી અને કંચનજંઘા એક્સપ્રેસ વચ્ચેના અકસ્માતને ત્રણ દિવસ વીતી ગયા છે. રાબેતા મુજબ બનાવનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. ઝડપથી થયેલું બચાવ કાર્ય. ઘાયલોની સારવાર અને સહાયની ચૂકવણી બધું ત્વરિત થયું તેમ છતાં કેટલાક સવાલો ઊભા છે. આવું થયું શા માટે અને તે નિવારી કઈ રીતે શકાય. રેલવે સુરક્ષા, સિગ્નલિંગ, સંચાર પ્રણાલી એટલે કે કોમ્યુનિકેશન સિસ્ટમની ખામીઓ તરફ આ દુર્ઘટના ધ્યાન ખેંચે છે. રેલવેએ વિકસાવેલી સ્વસંચાલિત સુરક્ષા પ્રણાલી-કવચ નો વ્યાપ વધારવાની આવશ્યકતા અહીં સ્પષ્ટ થઈ રહી છે.

કવચ અકસ્માતોને રોકવાની આધુનિક ટેક્નોલોજી છે. જો કે તેનું નેટવર્ક ઘણું મર્યાદિત છે. ભારતના રેલવે ટ્રેકની લંબાઈ અને આખાં માળખાંને જોતાં કવચની વ્યવસ્થા તબક્કાવાર થાય તે સમજી શકાય પરંતુ રેલવે તંત્ર એવું તો વિચારી જ શકે કે જે જે ટ્રેક નવા બનતા જાય ત્યાં શરૂઆતથી જ કવચનું રક્ષણ આપી દે જેથી દુર્ઘટના ઓછી થઈ શકે. સિગ્નલ જે વિસ્તાર-વિભાગમાં નિષ્ફળ હોય ત્યાં ટ્રેનના ડ્રાઈવરને રેડ સિગ્નલ થી આગળ જવાની મંજુરી અપાય છે.તે મંજુરી મળ્યા પછી પણ રેડ સિગ્નલ વટાવતાં પહેલાં દિવસે એક મિનિટ અને રાત્રે બે મિનિટ થોભવું તેવો નિયમ છે. ટ્રેનની ગતિ પણ 10 કિલોમીટરથી વધવી જોઈએ નહીં. આ બધી બાબતોનું પાલન થયું હતું કે નહીં તે તો તપાસ બાદ ખ્યાલ આવશે.

કવચનો ઉપયોગ વધારેમાં વધારે રેલવે ટ્રેક પર, શક્ય તેટલી ઝડપથી થાય તે જરૂરી છે. હવે તો ચોમાસું છે. દૂરના તમામ વિસ્તારોમાં સિગ્નલની ક્ષમતા અને પાટાની સ્થિતિની તપાસ યુદ્ધના ધોરણે થવી જોઈએ. ઈલક્ટ્રિક ઉપકરણ, સંદેશા વ્યવહારનું નેટવર્ક તેમાં પણ પ્રાધાન્ય પામે તે જરુરી છે. રેલવેમાં ઘણા પદ પર વર્ષોથી ભરતી નથી. જગ્યા ખાલી છે. રેલવે સેવાના સંચાલનની ગુણવત્તા ઘટી રહી છે. તેનું પરિણામ પછી આવી રીતે ભોગવવું પડે છે. તમામ ટ્રેન-ટ્રેકને એક પાટા પર બે ટ્રેન આવી જાય તો પરિચાલન સ્વયં અટકી જાય તેવી કવચ પ્રણાલીથી આવરી લેવી જોઈએ.

ભારતીય રેલવેનું તંત્ર આમ જૂઓ તો એક વૈશ્વિક ઉદાહરણ છે. મુંબઇની લોકલ રેલવે હોય કે પછી બે નાના શહેરો વચ્ચે દોડતી ‘લોકલ’ ટ્રેનથી શરૂ કરી લાંબા અંતરની ટ્રેનો. ભારતની ટ્રેન વ્યવસ્થા હવે આધુનિક અને વધારે સુવિધાયુક્ત બની છે, વંદે ભારત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ સ્થિતિમાં સુવિધાની સાથે

મુસાફર સુરક્ષા પણ ઇચ્છે તે સ્વાભાવિક છે.

કંચનજંઘા દૈનિક ટ્રેન છે. રેલવેની કનેક્ટિવિટી પર તેની અસર થઈ છે. પાટાની માવજત માટે રેલવેએ ભંડોળનો ઉપયોગ પૂરતો ન કર્યો હોવાનો એક અહેવાલ કેગ દ્વારા થોડા સમય પહેલાં અપાયો છે તે પણ આ દુર્ઘટના સમયે યાદ કરવા જેવો ખરો. સમગ્ર માળખાંમાં સુધારો કરી, કર્મચારીઓને વધારે તાલીમબદ્ધ કરવા, ટેક્નિકનો ઉપયોગ વધારવો આવશ્યક છે. દુર્ઘટના હોય કે હોનારત તેના પર રાજનીતિ તો થાય, તેને રોકી ન શકાય પરંતુ દુર્ઘટના નિવારવાના છેવટ સુધીના પ્રયાસ કરવા જોઈએ. રેલવેની પ્રગતિની ગતિ વધી છે. દુર્ઘટનાનો અંતરાય દૂર કરવો આવશ્યક છે.

ઇ-પેપરના નવા શુલ્ક