• શનિવાર, 13 જુલાઈ, 2024

સ્થાનિક સ્તરે ભયમુક્ત ભ્રષ્ટાચાર

દેશના કોઈ પણ રાજ્યમાં કોઈ પણ પક્ષની સરકાર હોય તે ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ અને શાસનની વાત કરે પરંતુ વાસ્તવિક ચિત્ર અલગ જ હોય છે. મોટી પરિયોજના, મોટા કામોની તો ચર્ચા જ અલગ થાય પરંતુ સ્થાનિક સ્તરે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભ્રષ્ટાચારે મર્યાદા વટાવી છે. રાજકોટમાં 25મી મેએ થયેલો અગ્નિકાંડ આવા બેહદ અને બેશરમ ભ્રષ્ટાચારનું જ પરિણામ છે. ભ્રષ્ટાચારના અનેક પ્રકરણ, નાના-મોટા કિસ્સા બનતા રહે પરંતુ આ અગ્નિકાંડ એક માત્ર ઘટના અને તેની આસપાસ કે પછી બનેલી ઘટનાઓ જોઈએ તો ખબર પડે કે આ સડો કેટલો વ્યાપક હશે, અધિકારીઓ કેવા બેફામ છે અને કેટલા બેશરમ છે. પૈસા ખાવા, અપ્રમાણસંપત્તિ એકઠી કરવી તે સરકારી -અર્ધસરકારી વિભાગમાં નવાઈની વાત જ નથી પરંતુ પૈસાની આ ભૂખ, આ લાલચ એટલી હદ વળોટી જાય કે કોઈને માણસોના જીવની પણ કંઈ પડી ન હોય તે સ્થિતિ તો અત્યંત ખરાબ કહેવાય.

રાજકોટમાં ટીઆરપી નામનો એક ગેમ ઝોન આગમાં ભસ્મ થયો તેમાં 27 માણસો પણ સળગી ગયા, એટલી ખરાબ રીતે સળગ્યા કે તેમના મૃતદેહ ઓળખાયા નહીં અને ડીએનએ ટેસ્ટ થકી તે મૃતશરીરો સગાઓને આપવા પડયાં. આવડા મોટા આ કાંડની પાછળ અકસ્માત જવાબદાર નથી પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના કેટલાક અધિકારીઓએ કરેલો ભ્રષ્ટાચાર કારણભૂત છે. રાજકોટના ડેપ્યુટી ફાયર ઓફીસર ભીખા ઠેબા અને ટાઉન પ્લાનીંગ ઓફિસર મનસુખ સાગઠિયાને ઘટના પછી થોડા દિવસોમાં સસ્પેન્ડ તો કરી જ દેવાયા હતા. બન્ને વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યૂરોએ તસાપ કરી અને બન્નેએ અધધધ સંપત્તિ કાયદાનો ભંગ કરીને એકત્ર કરી હોવાનું ખૂલ્યું.

મહાનગરપાલિકાના ટાઉન પ્લાનરનો પગાર સિત્તેર કે એંસી હજાર રુપિયા હોય તેની પાસે અપ્રમાણસર મિલકત રૂ. 10.55 કરોડ નીકળે. તેની પાસે ફાર્મ હાઉસ હોય કે પેટ્રોંલ પમ્પમાં તેની ભાગીદારી હોય તો વિચાર કરવો પડે કે તેનાથી ઉપરની કક્ષાના અધિકારીઓની આર્થિક ક્ષમતા-સદ્ધરતા શું હશે? આ અમર્યાદ સંપત્તિનો વ્યાપ કેવડો? રાજકોટમાં જો આ શક્ય છે કે તેથી મોટાં મહાનગરોની સ્થિતિ શું હશે? ગેરકાયદે બનતાં મકાન, ટાઉન પ્લાનીંગ સ્કીમમાં મોટા માણસોના હિત સાધવાની પરંપરા સહિતની બાબતો અહીં સંકળાય. વોકળામાં બાંધકામની પરવાનગી આપ્યા પછી થતી જળહોનારત કે ફાયર એનઓસી વગર બની જતા આવા ગેમ ઝોનમાં લાગતી આગમાં હોમાઈ જતી જિંદગીઓ...આ બધું ક્યાં જઈને અટકે? આ તો એક મહાનગરપાલિકાના એક વિભાગની વાત છે, સરકારના કેટલા વિભાગ? કેટલા પેટા વિભાગ? અને તેના કેટલા અધિકારીઓ આ પ્રક્રિયામાં હશે? અધિકારીઓ પર નિયંત્રણ રહે, વહીવટીતંત્ર સુચારુ રીતે કામ કરે તે માટે તો લોકશાહીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય છે. અહીં તેમની પણ જવાબદારી બને કે ભ્રષ્ટ અધિકારીઓ સામે તેઓ પગલાં લે, તેમને નિયંત્રણમાં રાખે. આટલા મોટા સતત ચાલતા ભ્રષ્ટાચારમાં ન દેખાતી ઝીણી બાબત એ છે કે એન્ટી કરપ્શન બ્યૂરો જેવી વ્યવસ્થા છે પરંતુ તેનો ઉપયોગ લોકો કરતા નથી. લાંચની માગણી કરનાર અધિકારી વિરુદ્ધ ફરિયાદ થઈ શકે. પરંતુ પોતાના કામ ઝડપથી થાય તે માટે કેટલાક લોકો શોર્ટકટ અપનાવતા હોય છે. લાંચ-રુશ્વત વિરોધી વિભાગને જો જાણ કરવાની જાગૃતિ વધે તો ભ્રષ્ટાચાર ઘટી શકે.

 

ઇ-પેપરના નવા શુલ્ક