• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

કૅનેડાની અવળચંડાઈ

ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંઘ નિજ્જરના મોતને એક વર્ષ પૂર્ણ થતાં કૅનેડાની સંસદમાં તેને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો જે આંચકાજનક છે. કૅનેડાની સંસદે બે મિનિટ મૌન પાળીને તેને શ્રદ્ધાંજલિ આપી છે. જોકે આવી વિચિત્ર બાબત કૅનેડાની સંસદમાં પહેલીવાર નથી બની. ગયા વર્ષે કૅનેડાના ‘હાઉસ અૉફ કૉમન્સ’માં તાળીઓના ગડગડાટ વચ્ચે 98 વર્ષના નાઝી સૈનિકને માનવંદના આપવાની ચોંકાવનારી ઘટના બની હતી. વિશ્વભરમાં આ વિશેના તીવ્ર પ્રત્યાઘાતો ઉમટયા બાદ સંસદના અધ્યક્ષે આ બાબતમાં માફી માગવાનો વારો આવ્યો હતો. પણ આમાંથી કૅનેડા અને તેના સાંસદોએ કોઈ શીખ લીધી હોય એવું લાગતું નથી.

હાલમાં જ કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની ‘જી-7’ પરિષદમાં મુલાકાત થઈ તે વેળા ટ્રુડોએ ભારત સાથે નવેસરથી સંબંધ પ્રસ્થાપિત કરવા ઈચ્છુક હોવાનું જણાવ્યું હતું, પણ તેમની વાણી અને વર્તનમાં વિરોધાભાસ ફરી એકવાર સપાટી પર આવ્યો છે. કૅનેડામાંના ખાલિસ્તાન તરફીઓને પૂરી પાડવામાં આવતી આર્થિક મદદ સામે તેમણે આંખમિંચામણાં કર્યાં છે. ખાલિસ્તાની નેતા પન્નુની હત્યામાં ભારતનો હાથ હોવાનો હોબાળો પણ કૅનેડાએ મચાવ્યો હતો. જોકે, ભારતનો હાથ હોવાનો કોઈ પુરાવો તેઓ આપી શક્યા નહોતા.

આતંકવાદ વિરુદ્ધ ભારતની કટિબદ્ધતા પણ કૅનેડાથી છૂપી નથી. આમ છતાં, કૅનેડા સરકાર નિજ્જરની હત્યાને મહત્ત્વ આપી રહી છે, આનાથી સ્પષ્ટ થાય છે કે ન તો કૅનેડાને ભારત સાથે પોતાના સંબંધો સુધારવામાં રસ છે અને ન તો આતંકવાદ પર લગામ તાણવા અંગે આ દેશ ગંભીર છે. સ્પષ્ટ છે કે આ રીતે નિજ્જરને મહત્ત્વ આપીને ટ્રુડો કૅનેડામાંના ખાલિસ્તાનતરફી શીખ સમુદાયનો જનાધાર પોતાની તરફેણમાં કરવાના પ્રયાસ કરી રહ્યા છે. આનાથી કદાચ તેમના પક્ષને ચૂંટણીમાં લાભ મળી પણ શકે છે, પણ આનાથી ભારત સાથેના સંબંધમાં જે ઓટ આવી રહી છે, તેની ભરપાઈ સરળતાથી નહીં થાય.

પંજાબના બધા જ લોકો અલગ રાજ્યનો મુદ્દો નથી ઉઠાવતા પણ કૅનેડા, અમેરિકા, બ્રિટન, અૉસ્ટ્રેલિયા વગેરે દેશોમાં વસેલા અને ત્યાંની નાગરિક્તા ધરાવતા કેટલાક લોકો ઉપદ્રવ મચાવતા જોવામાં આવે છે ત્યારે તેમના પર અંકુશ લાવવામાં મદદ કરવાના બદલે જો સ્થાનિક સરકારો તેઓને આશ્રય આપે અને ઉછરે છે, તો એને અન્ય દેશની આંતરિક બાબતમાં માથું મારવાની વૃત્તિ જ ગણવી જોઈએ. આનાથી આતંકવાદીઓનું મનોબળ વધે છે અને છેવટે આનું પરિણામ કોઈ એક દેશને નહીં આખા વિશ્વને ભોગવવું પડતું હોય છે. કૅનેડા સરકારના જવાબમાં ભારતે કનિષ્ક વિમાન દુર્ઘટનાની વરસી ઉજવવાનો ખૂબ જ સમયોચિત નિર્ણય લીધો છે. જોવાનું રહે છે કે, આંતરરાષ્ટ્રીય સમુદાય આ આખા મામલાને કેવો પ્રતિસાદ આપે છે.

ઇ-પેપરના નવા શુલ્ક