• શનિવાર, 10 જૂન, 2023

રાજકોટની AIIMSનું બાંધકામ 60 ટકા પૂર્ણ, ઓક્ટોબરમાં કેમ્પસ તૈયાર થઈ જશે

ડિસેમ્બર-2021થી શરૂ થયેલી OPD સેવાનો 50 હજારથી વધુ દર્દીએ લાભ મેળવ્યો

રાજકોટ, તા.24 : રાજકોટ સહિત સમગ્ર ગુજરાત માટે આરોગ્ય ક્ષેત્રે ઘરેણા સમાન એઈમ્સનું નિર્માણકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે અને વહેલી તકે સંપૂર્ણ કાર્યરત થાય તેની પ્રતીક્ષા થઈ રહી છે ત્યારે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે એઈમ્સના નિર્માણકાર્ય સંદર્ભે જણાવ્યું હતું કે, રાજકોટ એઈમ્સનું નિર્માણકાર્ય 60 ટકા જેટલું પૂર્ણ થયું છે. ઓક્ટોબર-2023 સુધીમાં ગુજરાતની પ્રથમ એઈમ્સનું 100 ટકા બાંધકામ પૂર્ણ થશે અને કેમ્પસ તૈયાર થઈ જશે.

મંત્રીએ ઉમેર્યું કે, આશરે 1,58,879 ચોરસ મીટરના બાંધકામ વિસ્તારમાંથી 91,950 ચોરસ મીટર વિસ્તારનું બાંધકામ પૂર્ણ થયેલું છે. અહીં 77,435 ચોરસ મીટરના હોસ્પિટલ વિસ્તારમાં 15થી 20 સુપરસ્પેશિયાલિસ્ટ વિભાગ, ઇમરજન્સી, ટ્રોમા, આયુષ અને આઈસીયુ જેવી સુવિધાઓ, 27,911 ચોરસ મીટર વિસ્તારમાં મેડિકલ અને નર્સિંગ કોલેજ, 51,198 ચો.મી. વિસ્તારમાં હોસ્ટેલ અને ક્વાટર્સ તથા 2,335 ચોરસ મીટર વિસ્તારમાં અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે.

વડાપ્રધાન મોદીના હસ્તે 1.58 લાખ ચો.મી. વિસ્તારમાં 750 બેડ અને હાલ 150 એમ.બી.બી.એસ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી એઈમ્સનું ડિસેમ્બર-2020માં ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અહીં ડિસેમ્બર 2021થી કાર્યરત 14 સ્પેશિયાલિસ્ટ વિભાગોમાં અત્યાર સુધીમાં 50 હજારથી વધુ નાગરિકોએ ઓ.પી.ડી સેવાનો તથા 45 હજારથી વધુ નાગરિકોએ ટેલીમેડીસીન સેવાનો લાભ લીધો છે.