• શનિવાર, 05 એપ્રિલ, 2025

ST બસના ભાડામાં 10 ટકાનો વધારો ! આજથી મુસાફરોને વધુ ભાડું ચૂકવવું પડશે

38 કિમી સુધીની મુસાફરીમાં રૂા.1 થી 4નો વધારો કરાયો

અમદાવાદ, તા. 28: એસટી બસના ભાડાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમા એસટી બસના ભાડામાં હવે 10 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે સામાન્ય માણસના ખીસા પર અસર પડવાની છે. આવતીકાલથી એસટી બસમાં મુસાફરી કરતા લોકોને વધારે ભાડું આપવું પડશે.

ભાડામાં કરેલા વધારા પ્રમાણે 38 કિમી સુધીની મુસાફરીમાંથી 1 થી 4 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. એસટી નિગમના આ નિર્ણયથી રાજ્યના 27 લાખ મુસાફરોને સીધી અસર થશે. ઉલ્લેખનીય છે કે, બે વર્ષ પહેલાં એસટી નિગમ દ્વારા 25 ટકા સુધીનો ભાડાંમાં વધારો કરવામાં આવ્યો હતો. એસટી દ્વારા આ લાગુ થનારાં ભાડાંમાં 48 કિમી સુધી રૂ. એકથી લઈને 6 રૂપિયા સુધીનો વધારો કર્યો હતો. 2014 બાદ પહેલીવાર ભાડામાં વધારો કરાયો હોવાનો નિગમ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો.

અહીં નોંધવું ઘટે કે, ગુજરાતમાં દરરોજ 18.21 લાખ ગ્રામીણ મુસાફરો, 46 હજાર શહેરી મુસાફરો અને 8.30 લાખ વિદ્યાર્થીઓ એમ કુલ મળીને 27.18 લાખ મુસાફરો રાજ્યની એસ.ટી. બસમાં મુસાફરી કરે છે. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને (ઋજછઝઈ)ની કુલ 8,320 બસ દરરોજ 42,083 જેટલી ટ્રીપ પૂરી કરે છે. બધી બસોનું 34.52 લાખ કિલોમીટર જેટલું અંતર દરરોજ કાપે છે. ગુજરાતના 18,367 ગામડાઓ એટલે કે 99.34 ટકા ગામડાઓને એસ.ટી. નિગમે આવરી લીધા છે. રોજ સરેરાશ 68,000 ટિકિટ ઓનલાઇન બુક થાય છે.

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના રાજ્યમાં કુલ 16 ડિવિઝન, 125 બસ ડેપો, 151 બસ સ્ટેશન્સ અને 1554 જેટલા પીકઅપ સ્ટેન્ડ આવેલા છે. ડ્રાઇવર, કંડક્ટર, મિકેનિક, વહીવટી સ્ટાફ અને અધિકારીઓ કુલ મળીને 36,297 કર્મચારીઓ નિગમમાં કાર્યરત છે. કુલ 8,320 બસ દરરોજ 42,083 જેટલી ટ્રીપમાં 34.52 લાખ કિમી અંતર કાપે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક