ગિરનારમાં એક, વંથલી-જામકંડોરણામાં અડધો ઈંચ : જૂનાગઢ, ભેસાણ, વિસાવદરમાં ઝાપટા વરસ્યા
અમદાવાદ, તા. 11: છેલ્લા ત્રેણક
દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હોય એમ ઝાપટારુપે ક્યાંક વરસી રહયો છે. ત્યારે હવે ફરી
આવતીકાલ શનિવારથી રાજયમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી
અનુસાર આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, 12થી 17 જુલાઈ સુધી
ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, સૌરાષ્ટ્રમાં 13 જુલાઈ બાદ વરસાદની તીવ્રતા વધી
શકે છે. તેમજ આ બધા વચ્ચે સોરઠમાં એક દી’ની વરાપ બાદ આજ સવારથી આકાશમાં વરસાદી વાતાવરણ
છવાયા બાદ મેઘરાજાએ પધરામણી કરતા ગિરનારમાં એક ઈંચ, વંથલીમાં અડધો તથા જૂનાગઢ, ભેસાણ,
વિસાવદરમાં હળવાથી ભારે ઝાપટા પડયા હતા.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે
વાત કરીએ તો પાંચ દિવસ માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે, દરિયાકાંઠે
30થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે અને 24 કલાક બાદ રાજ્યમાં વરસાદી માહોલ જામશે, હાલમાં
મોન્સૂન ટ્રફ સક્રિય થતા 24 કલાક બાદથી વરસાદી માહોલ જામશે તો અમદાવાદ અને ગાંધીનગરમાં
વીજળીના કડાકા સાથે છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યમાં કોઇ
નોંધપાત્ર વરસાદ થવાના અહેવાલ નથી.
જૂનાગઢ: શહેર જિલ્લામાં છેલ્લા
ર0 દી’થી અવિરત વરસાદથી જમીન ઓગળવા લાગી છે. ખેતરોમાં લહેરાતી કુમળી મોલાતો મુરઝાવા
તરફ ધકેલાવા લાગી હતી. માવજત અને ખેડન થતા નિંદામણથી મોલાતો ઢંકાવા લાગી છે ત્યારે
ખેડૂતો મેઘરાજા ખમૈયા કરે તેવી પ્રાર્થના કરવા લાગ્યા છે. આ સ્થિતિમાં ગઈકાલે વરાપ
નીકળતા સૌએ હાશકારો અનુભવ્યો ત્યાં આજ સવારથી મેઘરાજાએ પુન: પધરામણી કરી છે. સવારથી
મેઘ મહેર ઉતરતા ગિરનાર જંગલમાં એક ઈંચ, વંથલીમાં અડધો ઈંચ તેમજ જૂનાગઢ, ભેસાણ, વિસાવદરમાં
ભારે ઝાપટા પડતા માર્ગો ઉપર પાણી વહેવા લાગ્યા હતા.
જામકંડોરણા: વરસાદી માહોલ છવાતા
દિવસ દરમિયાન ઝાપટારુપે સાંજ સુધીમાં 12 મીમી વરસાદ પડયો હતો.