રાજકોટ,તા.11(ફૂલછાબ ન્યૂઝ) મગફળીનું વાવેતર ગુજરાતમાં રેકર્ડબ્રેક ઉંચાઇએ પહોંચવાના અણસાર મળવા માંડયા છે એટલે ઉનાળુ પાક તરફ બહુ ધ્યાન ગયું નથી. સતત-ભારે વરસાદને લીધે ઉનાળુ પાકનું ખેતરમાં જ નિકંદન નીકળી જતા માંડ 50-60 ટકા જ આવક થઇ શકી છે. ઉનાળુ મગફળીનું ઉત્પાદન આ વર્ષે 1 લાખ ટન થશે તેવો અંદાજ મૂકવામાં આવ્યો હતો. જોકે 50-60 હજાર ટન કરતા વધારે પાક આવશે નાહિં એમ ટ્રેડરો માની રહ્યા છે.
ડિસા, પાલનપુર, પાથાવાડા, ઇડર,
વીજાપુર વગેરે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઉનાળુ મગફળીની ચિક્કાર આવક જૂન-જુલાઇમાં
રહેતી હોય છે. કારણકે આ વિસ્તારોમાં મગફળીનું ચિક્કાર વાવેતર થાય છે. મે મહિનાના અંતથી
છૂટાછવાયા પ્રિમોન્સૂન વરસાદ શરૂ થઇ ગયા હતા. ઉનાળુ પાક ખેતરોમાં ઉભો હતો ત્યારે વરસાદ
વરસ્યો છે. એ પછી એકધારો સીઝનનો વરસાદ પડવાને લીધે મગફળીના પાકમાં વ્યાપક નુક્સાન થયું
છે એમ ખેડૂતો જણાવે છે.
ઉનાળુ મગફળીનું ઉત્પાદન ગયા વર્ષે
1 લાખ ટન જેટલું હતુ. પાછલા વર્ષે ડિસામાં 60-65 હજાર ગુણી જેટલી એકદિવસિય આવક નોંધવામાં
આવી હતી. આ વખતે પાક ઘટી જતા 15 હજાર ગુણી કરતા વધી શકી નથી. ડિસા યાર્ડના સૂત્રો કહે
છે, મોટાંભાગનો પાક ધોવાઇ ગયો છે. યાર્ડમાં અત્યારે માત્ર ત્રણથી પાંચ હજાર ગુણીનો
પુરવઠો આવે છે, એમાં બગડેલા માલ જ આવી રહ્યા છે. ઉનાળુ મગફળીનો ભાવ સરેરાશ રૂ.1100-1300ની
વચ્ચે ચાલી રહ્યો છે.
ડિસાની માફક પાલનપુર અને પાથાવાડા
પણ મોટી આવક ધરાવતા માર્કેટ યાર્ડઝ છે. જોકે ત્યાં પણ સાત આઠ હજાર ગુણી કરતા વધારે
આવક ચાલુ મોસમમાં થઇ નથી. દક્ષિણ ગુજરાતમાં પણ ઠીક ઠીક ઉત્પાદન ઉનાળુ માલનું થાય છે
પણ ત્યાં બગાડ છે. (જુઓ પાનું 10)
એ રીતે સૌરાષ્ટ્રમાં પણ પાક ઓછો
છે.
ગુજરાતમાં ચાલુ વર્ષે ખરીફ મગફળીનું
વાવેતર 17.59 લાખ હેક્ટરમાં થયું છે. જે સરેરાશની તુલનાએ 100 ટકા છે. ગયા વર્ષના ફાઇનલ
19 લાખના આંકડાની સાવ નજીક છે. જોકે હજુ ઘણા વિસ્તારોમાં વરસાદે હમણાં જ પોરો ખાધો
હોય વાવેતર કાર્ય ફરીથી વેગથી શરૂ થયું છે એટલે સરળતાથી ગયા વર્ષનો આંકડો વટાવાશે.
વેપારી વર્ગના મતે 21-22 લાખ હેક્ટર સુધી વાવેતરનો અંતિમ આંકડો પહોંચી શકે છે.
ચાલુ મોસમમાં મગફળીનો ટેકાનો
ભાવ રૂ. 1356થી વધારીને રૂ. 1452 નક્કી કરવામાં આવ્યો છે. ટેકાના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. વળી ગયા
વર્ષમાં ટેકાના ભાવથી ખરીદી પણ સારી થઇ અને હેક્ટરદીઠ ઉતારો પણ મબલક મળવાને લીધે ખેડૂતો
આ વર્ષે મગફળીના પાકથી આકર્ષાયા છે.
સરકારે ગુજરાતમાંથી આશરે
12-13 લાખ ટનની મગફળી ટેકાના ભાવથી ખરીદી હતી. એમાંથી અંદાજે 7 લાખ ટન મગફળી સ્ટોકમાં
છે. જોકે અન્ય રાજ્યોની એકઠી કરીએ તો કુલ 12-14 લાખ ટન મગફળીનો સ્ટોક હોવાનું અનુમાન
છે.