(ફૂલછાબ ન્યુઝ)
જૂનાગઢ,
તા. ર9: ગિરનાર પર્વત ઉપર શક્તિપીઠ અંબાજીના મહંતની વરણી માટે તંત્ર દ્વારા નિયત ફોર્મ
ઉભું કરી તેમાં ચાદરવિધિ, પિતાનું નામ, છેલ્લા ત્રણ વર્ષના આઈ.ટી. રિટર્ન માગવામાં
આવતા સાધુ સંતોમાં રોષ ઉઠયો છે. મહંત સન્યાસી જ બની શકે તો પિતાનું નામ શા માટે ? સન્યાસીની
પાછળ પિતા નહીં ગુરુ જ હોય તેમ છતાં અયોગ્ય વિગતો માગી ચોક્કસ લોકોની તરફેણનો આક્ષેપ
સંતો દ્વારા કરાયો છે.
મંદિરના
મહંતની નિમણૂકમાં અખાડાની પરંપરા અથવા ગુરૂ-શિષ્યની પરંપરા ધ્યાને લેવાય છે પણ પ્રથમ
વખત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરકારીકરણની માફક નિયત ફોર્મ મુકવામાં આવ્યું છે. આ
ફોર્મમાં કેટલીક વિગતો દાવેદારો માટે રજૂ કરવી મુશ્કેલ છે. આ નિયત ફોર્મમાં અમુક બાબતો
અયોગ્ય હોય તેનો સાધુ સંતોમાંથી વિરોધ ઉઠયો છે. આ નિયત ફોર્મનો નમૂનો કોઈ સ્થળેથી ઉપાડી
લીધો હોય અથવા ચોક્કસ લોકોની તરફેણ કરવાનો ઈરાદો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
અંબાજી મંદિરના મહંત સન્યાસી જ લાયક ગણાય તો પિતાનું નામ શા માટે પૂછવામાં આવ્યું ?
ત્રણ વર્ષના આઈ.ટી. રિટર્ન માગવામાં આવ્યા છે. આઈ.ટી.રિટર્ન આવકનો આધાર છે પણ સાધુ
સંતોની આવક દાન ભેટ છે. જ્યારે ચાદરવિધિની વિગત માગવામાં આવી છે તે સાધુ-સંતોની આંતરિક
બાબત છે. કોઈ ફર્જી ફોટા રજૂ કરે તો તંત્ર તેને સાચા તરીકે સ્વીકારશે ? તેમજ ચાલચલગત,
ગુનાખોરીનો ઈતિહાસ પૂછાયો છે. મહંત તરીકેની પસંદગી માપદંડમાં તંત્ર દ્વારા ક્યાંક કાચુ
કપાયાની ફરિયાદ ઉઠી છે. અંબાજી મંદિરના મહંત તનસુખગીરીબાપુ બ્રહ્મલીન થયા બાદ આ મંદિરના
મહંત મુદ્દે વિવાદ ઉભો થતા જિલ્લા કલેકટરએ જૂનાગઢ શહેર મામલતદારને વહીવટદાર તરીકે નિમણૂક
કરી વિવાદને શાંત પાડયો હતો. હવે નવા મહંતની નિમણૂક માટે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન
હેઠળ વહીવટદાર દ્વારા પ્રક્રિયા હાથ ધરી છે.
આ પદ
માટે નિયત ફોર્મ અમલમાં મૂક્યું છે. તેમાં અરજદારનું પિતા સાથેનું પૂરું નામ સરનામું,
મોબાઈલ નંબર, અભ્યાસ, વ્યવસાય, સેવા-પૂજા, અનુભવ, ફોજદારી કેસ હોય તો એફ.આઈ.આર.ની નકલ,
અગાઉના મહંત સાથેનો સંબંધ આધાર પુરાવા સાથે, ચાદરવિધિના આધાર પુરાવા અને સેવા પ્રવૃત્તિની
પ્રોફાઈલ માગવામાં આવી છે. આ ઉપરાંત રૂ.100ના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામું રજૂ કરવાનું
રહેશે. ઉપરોક્ત તમામ વિગતો સાથે આગામી તા.ર4 સપ્ટેમ્બર સુધીમાં મામલતદાર કચેરીના એ.ડી.એમ.
શાખામાં રજૂ કરવાનું રહેશે. આ વિગતો અંગે દાવેદારોએ આક્ષેપ કર્યો કે, સન્યાસી જ મહંત
બની શકે તો પિતાના નામની શું જરૂર છે. સંતો સેવા પ્રવૃત્તિ કરતા હોય, કોઈ નિશ્ચિત આવક
ન હોય ત્યારે ત્રણ વર્ષના આઈ.ટી. રિટર્ન શા માટે માંગવામાં આવ્યા છે.
નિયત
ફોર્મમાં જે વિગતો માંગવામાં આવી છે તે ફોર્મ નમૂનો ક્યાંકથી તંત્રએ ઉઠાવ્યો હોવાનો
અથવા ચોક્કસ લોકોની તરફેણ કરવાનો ખુલ્લો આક્ષેપ કર્યો છે. મહંતની વરણીમાં તંત્રએ સાધુ
પરંપરાને ધ્યાને લેવાને બદલે વહીવટી પ્રક્રિયા કરતા સાધુ સંતોમાં રોષ ઉઠયો છે.