પીએમ મોદીએ જાપાની મેન્યુફેક્ચરર્સને ભારત આવવા આમંત્રણ આપ્યું : બન્ને દેશ વચ્ચે 13 સમજૂતી : ભારતમાં 10 ટ્રિલિયન યેનના રોકાણનું લક્ષ્ય
ટોક્યો,
તા. 29 : જાપાનના બે દિવસના પ્રવાસે પહોંચેલા પીએમ મોદીએ જાપાનને ભાગીદારીમાં કામ કરવાનું
આહવાન કરતા કહ્યું હતું કે જાપાન ટેક પાવર હાઉસ છે તો ભારત ટેલેન્ટ પાવર હાઉસ છે. બન્ને
દેશે મળીને ટેક્નોલોજી અન ઈનોવેશનના ક્ષેત્રમાં પુરી દુનિયાનું નેતૃત્વ કરી શકે છે.
આ સાથે જ પીએમ મોદીએ જાપાની મેન્યુફેક્ચરર્સને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું અને
મેક ઈન ઈન્ડિયા હેઠળ પુરી દુનિયાના નિર્માણનું આહવાન કર્યું હતું. તેમણે મંત્ર આપ્યો
હતો કે મેક ઈન્ડિયા ફોર હોલ વર્લ્ડ. પીએમ મોદીની જાપાન યાત્રાના પહેલા દિવસે કુલ
13 સમજૂતિ થઈ હતી. જેમાં સુરક્ષા સહયોગ, હ્યુમન રિસોર્સનું આદાન પ્રદાન, ચંદ્રયાન-5
મિશન માટે સહયોગ, ખનિજ સંસધાન ક્ષેત્રમાં સહયોગ વગેરે સામેલ છે. પીએમ મોદીએ કહ્યું
હતું કે આગામી 10 વર્ષમાં જાપાનથી ભારતમાં 10 ટ્રિલિયન યેનના રોકાણનું લક્ષ્ય રાખ્યું
છે.
પીએમ
મોદીએ કહ્યું હતું કે ભારત અને જાપાનના લઘુ અને મધ્યમ ઉદ્યમ તેમજ સ્ટાર્ટઅપ્સને જોડવા
ઉપર વિશેષ ભાર મુકવામાં આવશે. હાઈ ટેક્નોલોજી સેક્ટરમાં સહયોગ ભારત અને જાપાનની પ્રાથમિકતા
છે. આ મામલે ડિજીટલ પાર્ટનરશિપ 2.0 અને એઆઈ કોઓપરેશન ઈનિશિએટીવ ઉપર કામ કરવામાં આવી
રહ્યું છે. સેમીકંડક્ટર અને રેયર અર્થ મિનરલ્સ એજન્ડામાં સૌથી ઉપર રહેશે.
ટોક્યોમાં
ભારત-જાપાન ઈકોનોમીક ફોરમને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, જાપાનની ટેકનોલોજી
અને ભારતની પ્રતિભા મળીને વર્તમાન સદીની ટેકનોલોજી ક્રાંતિનું નેતૃત્વ કરી શકે છે.
ભારતની વિકાસ યાત્રામાં જાપાન હંમેશાં મહત્ત્વનું ભાગીદાર રહ્યું છે. મેટ્રોથી મેન્યુફેક્ચરીંગ
સુધી, સેમીકંડક્ટરથી સ્ટાર્ટઅપ સુધી બન્નેની ભાગીદારી પરસ્પરના વિશ્વાસનું પ્રતિક છે.
આજે ભારત દુનિયામાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. ભારતમાં મુડી માત્ર વધતી નથી
પણ અનેક ગણી થાય છે. પીએમ મોદીએ કહ્યું હતું કે ભારતે એઆઈ, સેમીકંડક્ટર, ક્વાંટમ કોમ્યુટિંગ,
બાયોટેક અને અંતરિક્ષ ક્ષેત્રમાં સાહસિક અને મહત્ત્વાકાંક્ષી પહેલ કરી છે.
ઉલ્લેખનીય
છે કે જાપાન અને ચીન વર્તમાન સમયમાં ભારતની ચિંતાઓને સમજવામાં મદદરૂપ સાબિત થઈ શકે
છે. આ બન્ને દેશ ટ્રમ્પની મનમાની અને ટેરિફ ડિપ્લોમસીનો શિકાર છે. એટલે બન્ને દેશોથી
આશા છે કે ભારતની સ્થિતિ પણ સમજશે. આ પરિસ્થિતિમાં જાપાનમાં પીએમ મોદીનું દરેક પગલું
ટ્રમ્પને ખુંચી શકે છે. વધુમાં ભારત અમેરિકાને સ્પષ્ટ સંદેશ આપી રહ્યું છે કે ટ્રમ્પ
ટેરિફ સામે નમશે નહીં. રવિવારે પીએમ મોદીની જિનપિંગ સાથે મુલાકાત થવાની છે. તો વર્ષના
અંતમાં પુતિન ભારત આવવાના છે. અહેવાલ મુજબ પીએમ મોદી જિનપિંગ સાથે 40 મિનિટ અને પુતિન સાથે 45 મિનિટ વાત કરવાના
છે. જેમાં ટ્રમ્પ ટેરિફથી લઈને રશિયન ઓઈલની વાતચીત થવાની સંભાવના છે.