શૈલેષ ભટ્ટનું અપહરણ કરાવી 200 બિટકોઇન પડાવીને 32 કરોડની ખંડણી માગી હતી
અમદાવાદ,
તા. 28: અમદાવાદ - વર્ષ 2018ના ચકચારભર્યા
બિટકોઈન તોડકાંડ અને અપહરણ કેસમાં અમદાવાદની સિટી સેશન્સ કોર્ટની એસીબીની સ્પેશિયલ
કોર્ટે ગુરુવારે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા અને
પૂર્વ આઈપીએસ જગદીશ પટેલ સહિત કુલ 14 આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ
કૌભાંડમાં પોલીસ અધિકારીઓએ સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરી તેમની પાસેથી
200 બિટકોઈન પડાવી લીધા હતા અને ત્યારબાદ રૂપિયા 32 કરોડની ખંડણીની માગણી કરી હતી.
વર્ષ
2018માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ સાથે બિટકોઇન ખંડણીનો કેસ નોંધાયો હતો. એક ફાઈનાન્સ
કંપનીમાં કરેલા બિટકોઈન રોકાણમાં શૈલેષ ભટ્ટના પૈસા ડૂબી ગયા હતા. તેથી તેણે આ કંપનીના
માલિક અને કર્મચારીઓનું અપહરણ કરીને પૈસા પાછા માગ્યા હતા. ત્યાર પછી આ કેસમાં અમરેલી
લોકલ ક્રાઈમ બ્રાન્ચના તત્કાલીન પીઆઈ અનંત પટેલની ટીમે સરકારી વાહનોમાં શૈલેષ ભટ્ટનું
અપહરણ કરીને ખંડણી વસૂલી હતી. પોલીસ અપહરણકારોએ શૈલેષ ભટ્ટને ગાંધીનગર નજીક લઈ જઈને
રૂ. 9 કરોડની કિંમતના 176 બિટકોઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. આ સમગ્ર ખંડણીમાં પૂર્વ ધારાસભ્ય
નલિન કોટડિયાની પણ સંડોવણી હતી.
આ કૌભાંડ
બહાર આવતા કેસ સીઆઈડી ક્રાઈમને સોંપાયો હતો. સીઆઈડીએ અનંત પટેલ સહિત 10 પોલીસ કર્મચારી
તેમજ સુરતના વકીલ કેતન પટેલની ધરપકડ કરી હતી. કેતન પટેલની પૂછપરછમાં જ પૂર્વ ધારાસભ્ય
નલિન કોટડિયા, અમરેલીના તત્કાલીન એસપી જગદીશ પટેલ સહિતના નામ ખૂલ્યા હતા. જેના આધારે
સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે જગદીશ પટેલની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી હતી. ત્યાર બાદ
આ કેસમાં સમયાંતરે કુલ 14 લોકોની ધરપકડ કરાઈ હતી.
આ મુદ્દે
શૈલેષ ભટ્ટે અપહરણ કરનાર પોલીસ કર્મચારીઓ અને પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા સામે સીઆઇડી
ક્રાઇમ ગાંધીનગરમાં ફરિયાદ દાખલ કરાવી હતી. આ કેસ આટલા સમયથી અમદાવાદની સિટી સિવિલ
એન્ડ સેશન્સ કોર્ટની એસીબીની ખાસ અદાલતમાં ચાલી રહ્યો હતો.