• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

જેટલી ગાળો આપશો તેટલું કમળ ખિલશે : શાહ

પીએમ મોદીને અપશબ્દો મુદ્દે શાહે કહ્યું, રાહુલની રાજનીતિ ઘૃણા અને નફરતની, શરમ હોય તો માફી માગે

નવી દિલ્હી, તા. 29 : બિહારમાં ચાલુ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. તેવામાં આરોપ-પ્રત્યારોપનો દોર ચરમસીમાએ પહોંચ્યો છે. બિહારમાં રાહુલની વોટર અધિકાર યાત્રા દરમિયાન એક શખસે મંચ ઉપરથી પીએમ મોદીને લઈને અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ મુદ્દે હવે ગૃહ મંત્રી અમિત શાહે પલટવાર કર્યો છે. ગુવાહાટીમાં રેલીને સંબોધિત કરતા શાહે કહ્યું હતું કે રાહુલે જે રીતે ધૃણા અને તિરસ્કારની નકારાત્મક રાજનીતિની શરૂઆત કરી છે. તેનું સૌથી નીચલું સ્તર ઘુસણખોર બચાવો રેલીમાં જોવા મળ્યું છે. જો કે જેટલી ગાળો મળશે તેટલું વધુ કમળ ખિલશે. વધુમાં કહ્યું હતું કે પીએમ મોદીના માતા ઉપર વાંધાજનક શબ્દો મુદ્દે જો રાહુલમાં થોડી પણ શરમ બચી હોય તો માફી માગવી જોઈએ.

અમિત શાહે સંબોધનમાં કહ્યું હતું કે પીએમ મોદીના સ્વર્ગીય માતા માટે જે રીતે અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેની નિંદા કરે છે. તેમજ પુરા દેશની જનતાને કહેવામાં માગે છે કે જે પ્રકારની મુદ્દા વગરની રાજનીતિ, નકારાત્મક અને ઘૃણાની રાજનીતિ રાહુલ ગાંધીએ શરૂ કરી છે. તે સાર્વજનિક જીવનને ઉંચાઈએ લઈ જશે નહી પણ ડુબાડશે. જો કે ઘૃણાની રાજનીતિ આજકાલની નથી. મોદી જ્યારથી પદ ઉપર છે ત્યારથી જ સોનિયા ગાંધી, રાહુલ, દિગ્વિજયસિંહ, મણિશંકર અય્યર, જયરામ રમેશ, રેણુકા ચૌધરી તમામ કોંગ્રેસ નેતાએ મોદીને અપશબ્દો કહ્યા છે. તેઓ કોંગ્રેસને કહેવા માગે છે કે જેટલી ગાળો ભાજપને આપશે કમળનું ફુલ એટલું જ મોટું થઈને આકાશ સુધી પહોંચશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક