• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

2027થી ‘ધૂમ’ મચાવશે બુલેટ ટ્રેન !

જાપાનમાં ભારતનાં રાજદૂતે કહ્યું, અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજક્ટનું નિર્માણકાર્ય પૂરપાટ

 

નવી દિલ્હી, તા.28: દેશમાં પ્રથમ બુલેટ ટ્રેન દોડવાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. જાપાનમાં ભારતનાં રાજદૂત સિબી જોર્જે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિશે એક મોટું અને મહત્ત્વનું નિવેદન કરતાં જણાવ્યું હતું કે, આ બુલેટ ટ્રેન 2027માં શરૂ થઈ જશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતનાં સૌથી મોટા શહેર અમદાવાદનાં સાબરમતી સ્ટેશનથી માંડીને મુંબઈનાં બાંદ્રા સુધી બુલેટ ટ્રેન કોરિડોરનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. જેમાં ગુજરાતમાં સુરત-બિલિમોરા પાસે કામ ખુબ પ્રગતિમાં છે. ત્યાં જ બુલેટ ટ્રેનનાં ટ્રાયલ રનની આશા પણ રાખવામાં આવી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જાપાન પ્રવાસ પહેલા જોર્જે મીડિયા સાથે કરેલી વાતમાં જણાવ્યું હતું કે, ભારતનાં બુનિયાદી ઢાંચામાં બદલાવમાં જાપાનની ભૂમિકા મહત્વપૂર્ણ છે. જેમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ પાટે જ છે. 2027 સુધીમાં તે દોડતી થઈ જવાની આશા છે. જો કે ભારતમાં બુલેટ ટ્રેન ત્યારે જ દોડતી થશે જ્યારે જાપાન ઈ-ફાઈવ અને ઈ-થ્રી શિંકાનસેન ટ્રેન ઉપલબ્ધ કરાવશે. એવી સંભાવના વ્યક્ત થઈ રહી છે કે, મોદીની જાપાન યાત્રા સાથે તેની ડિલિવરીની પ્રક્રિયા આગળ વધી શકે છે.

ઇ-પેપરના નવા શુલ્ક