• રવિવાર, 14 ડિસેમ્બર, 2025

સાંઢવાયાની ગૌશાળામાં એકસાથે 80 પશુના મોત, ફૂડ પોઈઝાનિંગની આશંકા

મૃત પશુના રક્તના અને  ખાધેલા ખોરાકના સેમ્પલ અમદાવાદ મોકલાયા

કોટડાસાંગાણી, તા.12 : રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના સાંઢવાયા ગામની ગૌશાળામાં એકસાથે 80 જેટલા પશુના મોત થતા ચકચાર મચી છે. જ્યારે 20થી વધુ પશુઓની હાલ સારવાર ચાલી રહી છે. પશુઓના મોત ફૂડ પોઈઝાનિંગના કારણે થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ પશુપાલન વિભાગ પણ દોડતું થયું છે અને સેમ્પલ લઈને અમદાવાદ મોકલામાં આવ્યા છે.

કોટડાસાંગાણીના સાંઢવાયા ગામે રામગર બાપુ ગૌસેવા ટ્રસ્ટ નામની ગૌશાળામા 350 જેટલી ગાયની સેવાઓ કરવામા આવે છે. વર્ષોથી ગૌસેવા સાથે સંકળાયેલા આ ટ્રસ્ટ માટે શુક્રવારનો દિવસ ગોઝારો સાબિત થયો છે. એક સાથે 30 જેટલા પશુના ટપોટપો મૃત્યુ થયા છે. જ્યારે અન્ય કેટલાક પશુઓમાં ફૂડ પોઈઝાનિંગના લક્ષણો હોવાથી તેમની સારવાર કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતા જ પશુપાલન વિભાગ પણ હરકતમાં આવ્યું છે. રાજકોટ, ગોંડલ, કોટડાસાંગાણી સહિતના પશુ ડોક્ટરો સાંઢવાયામાં ગૌશાળાએ પહોંચી અસરગ્રસ્ત પશુઓની સારવાર શરૂ કરી છે. ગાયના મોત પાછળનું સાચું કારણ પોસ્ટમોર્ટમ કરવા સહિતની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે એટલું જ નહીં મહત્વના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે.

ગૌશાળાના પ્રમુખ પ્રવીણભાઈ તોગરીયાએ જણાવ્યું હતું કે, વહેલી સવારે ગાયોને ઘાસચારો અને મગફળીનો ખોળ ખવડાવવા આવ્યો હતો. પાણી પીધા બાદ તમામ ગાયને અસર થઈ હતી. જે ખોરાકો આપવામાં આવ્યો હતા તે તમામના સેમ્પલ લેવામાં આવ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ એવું માનવું છે કે પશુઓએ જે બે વસ્તુ એક સાથે ખાધી છે, તે ન ખાવી જોઈએ. ફૂડ પોઈઝાનિંગ થયું હોય એવા પ્રાથમિક અણસાર લાગી રહ્યા છે. બાકી મૃત્યુનું સ્પષ્ટ કારણ તો એફએસએલ રિપોર્ટ બાદ ખબર પડશે. વહીવટી તંત્ર દ્વારા અન્ય પશુઓને ચેપ ન લાગે તે માટેના જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. સાથે જ પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક