• શનિવાર, 13 ડિસેમ્બર, 2025

બીજા ટેસ્ટમાં વિન્ડિઝ સામે કિવિઝનો 9 વિકેટે વિજય

3 મેચની શ્રેણીમાં 1-0થી આગળ : પ્લેયર ઓફ ધ મેચ જેકબ ડફીની 5 વિકેટ

વેલિંગ્ટન, તા.12: પ્લેયર ઓફ ધ મેચ જેકબ ડફીની બીજી ઇનિંગમાં 38 રનમાં પ વિકેટની મદદથી બીજા ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ન્યુઝીલેન્ડનો 9 વિકેટે વિજય થયો છે. બીજા દાવમ વિન્ડિઝ ટીમ કિવિઝ બોલિંગ લાઇન અપનો પ્રતિકાર કરી શકી ન હતી અને 46.2 ઓવરમાં 128 રને ઓલઆઉટ થઇ ગઇ હતી. આથી કિવિઝ ટીમને જીત માટે માત્ર પ6 રનનું લક્ષ્ય મળ્યું હતું જે તેણે 1 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધું હતું. બીજા ટેસ્ટના વિજયથી ન્યુઝીલેન્ડ 3 મેચની શ્રેણીમાં 1-0થી આગળ થઇ છે. આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ચક્રમાં ન્યુઝીલેન્ડનો આ પહેલો વિજય છે અને સીધી ત્રીજા સ્થાને પહોંચી ગઇ છે. આથી ટીમ ઇન્ડિયાને નુકસાન થયું છે અને 6 નંબર પર ખસી ગઇ છે.

વેસ્ટ ઈન્ડિઝ તરફથી બીજા દાવમાં કેવમ હોજે સર્વાધિક 3પ રન કર્યાં હતા. શે હોપ પ રન જ કરી શક્યો હતો. પ્રથમ ટેસ્ટમાં મેરેથોન ઇનિંગ રમી ટેસ્ટ ડ્રો કરનાર જસ્ટિન ગ્રીવ્સ કમાલ કરી શકયો ન હતો અને 2પ રને આઉટ થયો હતો. બ્રેંડન કિંગે 22 અને જોન કેંપબેલે 14 રન કર્યાં હતા. બાકીના કેરેબિયન બેટર્સ ડબલ ફીગરમાં પહોંચી શકયા ન હતા. ડફીની પ વિકેટ ઉપરાંત માઇકલ રેને 3 વિકેટ મળી હતી.

બાદમાં કપ્તાન ટોમ લાથમ (9)ની વિકેટ ગુમાવી ન્યુઝીલેન્ડે 1 વિકેટે પ7 રન કરી 9 વિકેટે સરળ જીત નોંધાવી હતી. કોન્વે 28 અને વિલિયમ્સન 16 રને નોટઆઉટ રહ્યા હતા.

વેસ્ટ ઇન્ડિઝના પ્રથમ દાવમાં 20પ રનના જવાબમાં ન્યુઝીલેન્ડના બીજા દાવમાં 9 વિકેટે 278 રન થયા હતા. ઇજાગ્રસ્ત બોલર ટિકનર બેટિંગ કરી શકયો ન હતો.

ઇ-પેપરના નવા શુલ્ક