14
વર્ષીય ભારતીય ચમત્કારિક બેટધરે ફરી વિક્રમોની વણઝાર રચી
દુબઇ,
તા.12: ભારતીય ક્રિકેટ સનસની 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ ફરી એકવાર વિસ્ફોટક સદી ફટકારીને
કીર્તિમાનોની હારમાળા રચી છે. અન્ડર-19 એશિયા કપમાં યૂએઇ વિરુદ્ધના મેચમાં વૈભવ સૂર્યવંશીએ
9પ દડામાં 14 છક્કા અને 9 ચોક્કાથી 171 રનની અદભૂત અને વિક્રમી ઇનિંગ રમી હતી. આથી
ભારતીય યુવા ટીમે યૂએઇ સામે પ0 ઓવરમાં 6 વિકેટે 433 રન ખડકયાં હતા. વૈભવે તેની સદી
ફક્ત પ6 દડામાં પૂરી કરી હતી.
અન્ડર-19
એશિયા કપમાં વૈભવની સૌથી મોટી ઇનિંગનો રેકોર્ડ જો કે થોડી કલાકોમાં જ તૂટી ગયો હતો.
મલેશિયા સામેના મેચમાં પાકિસ્તાનના બેટર સમીર મિન્હાસે 148 દડામાં 177 રનની ઈનિંગ રમી
હતી. આથી પાક.ના પ0 ઓવરમાં 3 વિકેટે 34પ રન થયા હતા.
14
વર્ષ 260 દિવસની ઉંમર ધરાવતા વૈભવ સૂર્યવંશી યૂથ વન ડેમાં પ0 છક્કા પૂરા કરનારો પહેલો
બેટર બની ગયો છે. આ ઉપરાંત એક ઇનિંગમાં 14 છક્કાનો પણ આજે નવો રેકોર્ડ બનાવ્યો છે.
અગાઉ આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના બેટર માઇકલ વિલિયમ હિલના નામે હતો. તેણે નામીબિયા સામે
2008માં અન્ડર-19 વન ડેમાં 12 છક્કા ફટકાર્યાં હતા. વૈભવ સૂર્યવંશીના વર્ષ 202પમાં
જુદી જુદી સ્પર્ધામાં આ છઠ્ઠી સદી છે.
અન્ડર-19
વન ડે મેચમાં ભારત તરફથી સૌથી મોટી ઇનિંગનો રેકોર્ડ અંબાતિ રાયડૂના નામે છે. તેણે
2002માં ઇંગ્લેન્ડ સામે 177 રન કર્યાં હતા.