• શુક્રવાર, 12 ડિસેમ્બર, 2025

લુથરાબંધુની થાઈલેન્ડમાં ધરપકડ

ભારત પરત લાવવામાં લાગશે વાર, ગોવામાં નાઈટક્લબ, હોટેલોમાં ફટાકડા પર રોક

નવી દિલ્હી, તા. 11 : ગોવાની નાઈટક્લબના ભારે લોહિયાળ અગ્નિકાંડના પાંચમા દિવસે ગુરુવારે ક્લબના માલિક સૌરભ લુથરા અને ગૌરવ લુથરાની થાઈલેન્ડથી ધરપકડ કરી લેવાઈ હતી.

થાઈલેન્ડ પોલીસે લુથરાબંધુઓની તસવીરો પણ જારી કરી છે. બન્નેના હાથમાં હાથકડી લાગેલી છે અને બેય પાસપોર્ટ પકડીને ઊભેલા દેખાય છે.

ભારતીય અધિકારીઓની એક ટીમ થાઈલેન્ડ રવાના થઈ  હતી અને 24 કલાકની અંદર લુથરાબંધુઓને ભારત પાછા લાવશે તેવી વાત હતી પરંતુ તેમાં વિલંબ થઈ શકે છે.

એવી સંભાવના છે કે, ભારત લવાયા પછી ગોવા પોલીસ નાઈટક્લબ માલિકોને પોતાની કસ્ટડીમાં લેશે.

દરમ્યાન, ઉત્તર ગોવા જિલ્લા પ્રશાસને નાઈટક્લબો, હોટેલોમાં આતશબાજી કરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. દિલ્હીની રોહિણી કોર્ટમાં લુથરા બ્રધર્સની જામીનની માંગ કરતી અરજી પર સુનાવણી થશે. ગોવા પોલીસે બન્નેના પાસપોર્ટ રદ કરી નાખ્યા છે.  સૌરભ અને ગૌરવ લુથરાએ  એવા સમયે થાઈલેન્ડ જવા માટે ટિકિટ બૂક કરી હતી, જ્યારે તેમની જ નાઈટક્લબમાં અગ્નિશામક દળની ટીમે આગ પર કાબૂ લેવાની કવાયત કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક