• શનિવાર, 13 ડિસેમ્બર, 2025

ઠંડીમાં વધારો : ગીરનાર 7.2 અને અમરેલી 10.4 ડિગ્રી


રાજકોટ સહિત 17 શહેરમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું

 

રાજકોટ તા.12: રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં શિયાળાએ ધીમે ધીમે અસલી રંગ દેખાડવાનું શરૂ કરી દીધું છે અને ઠંડીમાં વધારા સાથે સવારનું તાપમાન નીચું આવી રહ્યું છે. આજે પણ અનેક સ્થળોએ સવારનું તાપમાન

 ર થી 3 ડિગ્રી જેટલું ઘટવા પામ્યું હતું. હાલમાં ઉત્તર-પૂર્વનાં ઠંડા પવનો ફુંકાતા હોય ઠંડીની તીવ્રતા વધુ અનુભવાઇ છે.  આજે ગિરનાર પર્વત ઉપર ફરી એકવાર તાપમાન નીચું સરકયું હતું અને 7.2 ડિગ્રી તાપમાન નોંધાતા પ્રવાસીઓ ઠુંઠવાયા હતા. ખાસ કરીને રાજયમાં આજે સૌથી વધુ ઠંડી નલીયા અને અમરેલી ખાતે નોંધાઇ હતી. આજે સવારે નલિયામાં સતત બીજા દિવસે સિંગલ ડિઝીટ સાથે 8.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાતા નલિયાવાસીઓએ  હિમ જેવા વાતાવરણનો અનુભવ કર્યો હતો. આ ઉપરાંત આજે સવારે અમરેલી ખાતે 10.4 ડિગ્રી સાથે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ઠંડી અનુભવાઇ હતી. 

ગીરનાર પર્વત ઉપર પારો ઘટીને 7.2 ડિગ્રીએ નીચે પહોંચી જવા પામ્યો છે. પ્રવાસીઓ ગીરનાર પર્વત ઉપર ઠુંઠવાતા ઠંડા પવનનો સામનો કરતા જોવા મળી રહ્યા છે. ભવનાથ તળેટીમાં પણ પારો 10 ડિગ્રીએ નીચે જતો રહેતા ઠંડુ વાતાવરણ ગુલાબી ઠંડીનો અનુભવ લોકોને થઇ રહ્યો છે. શહેરમાં 11 ડિગ્રીએ પારો આવી જતા શિયાળાનો અહેસાસ થયો હતો. ભાવનગર શહેર અને ગોહિલવાડ પંથકમાં ઠંડીનું પ્રમાણ યથાવત્ રહ્યું છે. આજે શુક્રવારે ભાવનગર શહેરનું લઘુતમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 82% રહ્યું હતું. સવારે પવન ની ઝડપ 8 કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં હાલમાં ઉત્તરથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના પરિણામે ખાસ કરીને સવારના સમયે ઠંડીનો જોરદાર ચમકારો અનુભવાશે.આ પરિસ્થિતિ 14 ડિસેમ્બર સુધી સામાન્ય રહેવાની શક્યતા છે.પવનની ગતિ વધુ હોવાથી લઘુતમ તાપમાન ભલે સ્થિર રહે, પરંતુ શીતલહેર જેવી ઠંડીનો અહેસાસ જારી રહેશે. 

અમરેલી: શહેર સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી કોલ્ડનવેવની અસર હોય ભારે પવન સાથે કડકડતી ઠંડીમાં લોકો ઠુંઠવાયા છે. ત્યારે આજે વહેલી સવારે અમરેલી જિલ્લામાં ચાલું સિઝનમાં ફરી એક વખત ઠંડીમાં નોંધપાત્ર વધારો જોવાં મળ્યો છે. આજે અમરેલી 10.4 ડિગ્રી જેટલું નીચું તાપમાન તાપમાન નોંધાયું છે.  ઠંડીના કારણે આજે સવારે શહેરના મુખ્ય માર્ગો મોડે સુધી સૂમસામ જોવા મળતા હતા. ત્યારે સવારે સ્કૂલે જતાં બાળકો પણ રંગબેરંગી ગરમ કપડામાં જતા જોવા મળ્યા હતા.  જયારે મોર્નિંગ વોકમાં નીકળતા લોકો પણ ઠંડીના કારણે ઓછા જોવા મળી રહયા હતા. ગઇકાલે પણ દિવસભર હવામાન ઠંડુગાર રહેતા અને રાત ઢળતા જ ઠંડી વધી જતાં શહેરના વેપારીઓ પણ રાત્રે વહેલાસર ધંધા રોજગાર આટોપી અને ઘર તરફ નીકળી ગયા હતા.

કયાં, કેટલી ઠંડી ?

શહેર      તાપમાન

નલિયા   8.8

દાહોદ    9.3

 અમરેલી            10.4

ડાંગ       10.4

 રાજકોટ 12.0

 પોરબંદર            12.3

 ડીસા     12.4

 ગાંધીનગર          12.6

વડોદરા   12.8

 અમદાવાદ          13.1

 દમણ    13.6

 દીવ      13.6

 ભુજ     14.5

કંડલા     14.5

જામનગર            14.6

સુરત      14.8

 ભાવનગર           15.0

 

 

અમદાવાદની હવા બની ઝેરી, એક્યુઆઇ થયો 200ને પાર

 

અમદાવાદ, તા. 12 : દિલ્હીની જેમ હવે ગુજરાતના અમદાવાદમાં પણ વાયુ પ્રદૂષણ ચિંતાજનક સ્તરે પહોંચી ગયું છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 200ને પાર થઈ ગયું છે. ખાસ કરીને અમદાવાદના થલતેજ, બોડકદેવ, સાઉથ બોપલ અને સેલા વિસ્તારોમાં વાયુના પ્રદૂષણનું સ્તર 200ના આંકડાને વટાવી ગયું છે. જેના કારણે આ વિસ્તારમાં સવાર અને સાંજ ધુમ્મસ છવાયું રહે છે અને અસ્થમાના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. ફરી એકવાર વધતા વાયુ પ્રદૂષણને કારણે બાળકો, વૃદ્ધો અને અસ્થમાના દર્દીઓએ સાવધાની રહેવાની જરૂરત પડી છે. ઝેરી હવાના મુદ્દા પર સમાચાર પ્રસારિત થયા ત્યારે મુખ્યમંત્રીએ પોતે શહેરી વિકાસ વિભાગને વાયુ પ્રદૂષણને રોકવા માટે અસરકારક પગલાં લેવાનો આદેશ આપ્યો હતા.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક