• શુક્રવાર, 12 ડિસેમ્બર, 2025

કૉંગ્રેસે વંદે માતરમ્ને યોગ્ય સન્માન નથી આપ્યું રાજ્યસભામાં નહેરુનું નામ આવતા જ નડ્ડા-ખડગે વચ્ચે ઉગ્ર ચર્ચા

 આનંદ કે. વ્યાસ

નવી દિલ્હી, તા. 11 : રાજ્યસભામાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્ ઉપરની ચર્ચાનું સમાપન કરતા ગૃહના નેતા અને કેન્દ્રના આરોગ્યપ્રધાન જે. પી. નડ્ડાએ કહ્યું હતું કે, વંદે માતરમ્ દેશની આત્માને જગાડતો મંત્ર છે, એ ગાવાથી દેશની સંસ્કૃતિની સાથે જોડાણ થઇ જાય છે. આ ગીત રાષ્ટ્રીય એકતાને પણ મજબૂત કરનારું છે. ભાજપ સંસદમાં વંદે માતરમની ચર્ચાના બહાને દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુને બદનામ કરી રહ્યો છે અને નેહરુ પર રાષ્ટ્રીય ગીતના અપમાનનો આરોપ કરી રહ્યો છે. એવા આક્ષેપોના જવાબમાં નડ્ડાએ કહ્યું હતું કે, નેહરુને ભાજપ આ ગીતના અપમાન માટે જવાબદાર માને છે એનું કારણ એ છે કે એ સરકારના વડા હતા.

સંસદના શિયાળુ અધિવેશનના નવમા દિવસે રાજ્યસભામાં વંદે માતરમ્ ઉપરની ચર્ચામાં ગરમાટો આવ્યો હતો. નડ્ડાએ નેહરુનું નામ લઇને ટિપ્પણી કરતા રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, આજની ચર્ચાનો મુખ્ય વિષય વંદે માતરમ્ છે કે જવાહરલાલ નેહરુ? ગૃહમાં જે કંઇ કહેવાઇ રહ્યું છે એ વિકૃત કરીને કહેવાઇ રહ્યું છે, એમાં સચ્ચાઇ નથી. ગૃહમાં શાસક-વિપક્ષના નેતાઓ વચ્ચે આ ચર્ચા દરમિયાન નડ્ડાએ આરોપ કર્યો હતો કે, કૉંગ્રેસે હંમેશાં ભારતની સંસ્કૃતિ સાથે સમાધાન કર્યું છે. નડ્ડાએ કહ્યું કે, હું તો માત્ર વંદે માતરમની વાત જ કરી રહ્યો છું. આ ગીત સંબંધે નેહરુ સાથે જોડાયેલી વાતો કૉંગ્રેસને સારી ન લાગતી હોય તો હું શું કરી શકું?

નડ્ડાની આવી ટિપ્પણી ઉપર સદનમાં જોરદાર હોબાળો મચ્યો હતો. સ્થિતિને શાંત કરવા સભાપતિ સીપી રાધાકૃષ્ણને હસ્તક્ષેપ કર્યો હતો. ગૃહમાં શાંતિ બાદ નડ્ડાએ સમાપન કરતાં કહ્યું હતું કે, સરકાર પૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુને બદનામ કરવા નથી ઇચ્છતી પરંતુ એકમાત્ર ઉદ્દેશ્ય એ છે કે ઐતિહાસિક તથ્ય લોકો સામે આવવા જોઇએ.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક