• રવિવાર, 15 માર્ચ, 2026

ઘઉં અને ચણાનું ચિક્કાર વાવેતર

મસાલામાં જીરૂના વાવેતર ઘટયા, ધાણામાં પણ નબળું : બટાટામાં જોરદાર વાવણી

રાજકોટ,તા. 15: (ફૂલછાબ ન્યૂઝ) શિયાળુ પાકના વાવેતરમાં ઝડપી પ્રગતિ જોવા મળી છે. ડિસેમ્બરના બે સપ્તાહના અંત સુધીમાં 81 ટકા વાવણીકાર્ય પૂર્ણ થયું છે. પાણીની વ્યવસ્થિત સ્થિતિ અને પર્યાપ્ત ભેજને લીધે 37.51 લાખ હેક્ટરમાં લગભગ ગયા વર્ષ જેટલું જ વાવેતર થઇ ચૂક્યું છે. ગુજરાતમાં ત્રણ વર્ષની સરેરાશ તપાસતા હવે સાતથી દસ લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં વાવેતર થશે.

ઘઉંનું વાવેતર 10.83 લાખ હેક્ટર જેટલું છે. જે ગયા વર્ષ કરતા 83 હજાર હેક્ટર વધારે છે. હવે બેથી અઢી લાખ હેક્ટર જેટલું વાવેતર બાકી રહેશે. ઘઉંના ભાવ પાછલા ત્રણ વર્ષથી સારાં છે અને તેના કારણે ખેડૂતોને આકર્ષણ વધ્યું છે. પાણીની સુવિધા પણ વધારે હોવાથી વાવેતર ખૂબ થયું છે. ધાન્ય પાકોમાં જુવારનું વાવેતર વધીને 11,112 હેક્ટર અને મકાઇનું વાવેતર એકાદ હેક્ટર વધીને 1.15 લાખ હેક્ટરમાં થયું છે.

ચણાનું વાવેતર રેકોર્ડબ્રેક સપાટી તરફ જઈ રહ્યું છે. 85 ટકા વાવણી પૂરી થઇ ચૂકી છે અને કુલ 7.09 લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. ચણાનું વાવેતર પાછલા વર્ષે આ સમયે 6.71 લાખ હેક્ટર હતુ. સરેરાશ 8.32 લાખ હેક્ટરમાં વાવેતર થતું હોય છે. અન્ય કઠોળનું વાવેતર 44.246 હેક્ટરમાં છે. રાયડાનો વિસ્તાર ગુજરાતમાં 2.65 લાખ હેક્ટર છે. વાવેતર માં સારો વધારો થયો છે.

ખેડૂતો  કહે છેકે, ઠંડીનું પ્રમાણ સારું છે અને ડિસેમ્બર આગળ વધી રહ્યો છે તેમ તેમ ઠંડી હજુ કડકડતી પડે તેમ હોવાને લીધે ખેતીમાં કોઇ સમસ્યા નથી. તમામ પાકનો વિકાસ અત્યારે સારી રીતે થઇ રહ્યો છે. શેરડીનું વાવેતર 1.42 લાખ હેક્ટર પાછલા વર્ષે હતુ તે અત્યારે 1.13 લાખ હેક્ટર સુધી પહોંચ્યું છે. મસાલા પાકમાં જીરૂના વાવેતર માં 15 ટકાના ઘટાડા સાથે 3.24 લાખ હેક્ટરમાં વાવેતર છે. જ્યારે ગયા વર્ષમાં તે 3.76 લાખ હેક્ટરમાં હતુ. સરેરાશ 3.80 લાખ હેક્ટરમાં વાવણી થતી હોય છે.

ધાણાનું વાવેતર 1.02 લાખ હેક્ટર રહ્યું છે, જે પાછલા વર્ષમાં 1.03 લાખ હેક્ટર હતુ. જોકે વાવણીમાં હજુ વેગ આવતો નથી કારણ કે સરેરાશની તુલનાએ ફક્ત 65 ટકા વાવણી પૂરી થઇ છે. હવે અંતિમ આંકડો આવે ત્યારે જ વિસ્તાર વધે છેકે કેમ તે સ્પષ્ટ થશે. લસણમાં સારાં ભાવને લીધે વાવેતર વિસ્તાર 10500 હેક્ટરથી વધીને 11700 હેક્ટર થઇ ગયો છે. સવાનો વિસ્તાર અર્ધો કપાઇને 7400 હેક્ટર તથા ઇસબગુલનો વિસ્તાર 7 હજાર હેક્ટર ઘટીને 9900 હેક્ટર રહ્યો છે. વરિયાળીનો વિસ્તાર 3 હજાર હેક્ટર ઘટીને 35,506 હેક્ટર રહ્યો છે.

ડુંગળી અને બટાટાના વાવેતર પુષ્કળ થયા છે. બટાટાનો વિસ્તાર 1.43 લાખ સામે 1.59 લાખ સુધી ગયો છે. સરેરાશ કરતા 21 ટકા વધારે વાવેતર છે એટલે બટાટા પુષ્કળ પાકવાના છે. ડુંગળીનું વાવેતર 59700 હેક્ટર સામે અત્યાર સુધીમાં 61 હજાર હેક્ટર રહ્યું છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક