• રવિવાર, 15 માર્ચ, 2026

પોરબંદરમાં શિયાળાની ઠંડીમાં કેસર કેરી આવી ! પોરબંદરમાં 10 કિલોનું બોક્સ રૂ.1251માં વેચાયું

પોરબંદર, તા.15 (ફૂલછાબ ન્યૂઝ): વર્ષની માફક આ શિયાળે પણ પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમ થઈ ચૂક્યું છે અને એક કિલોના 1251 લેખે દસ કિલોના બોક્સની હરરાજી કરવામાં આવી હતી.

પોરબંદરના બિલેશ્વર અને હનુમાનગઢ પંથક સહિત બરડા વિસ્તારમાં ખુબ મોટી માત્રામાં આંબાનું વાવેતર થયું હોવાથી વિપુલ માત્રામાં કેરીનો પાક ઉતરે છે અને છેલ્લા કેટલાક વર્ષોથી ગ્લોબલ વોર્મિંગના કારણે તથા અન્ય કારણોસર શિયાળા દરમિયાન જ પોરબંદરના માર્કેટિંગ યાર્ડ ખાતે ફળોની રાણી કેરીની હરરાજી થતી હોય છે. આ વર્ષે પણ ડિસેમ્બર મહિનો વીત્યો ત્યાં કેરીનું આગમન થઈ ચુક્યું છે. માર્કેટિંગ યાર્ડ ખાતે હનુમાનગઢથી લાવવામાં આવેલ કેસર કેરીના એક બોક્સની હરાજી થઈ હતી. માર્કેટિંગ યાર્ડના જાણીતા વેપારી સુદામા ફ્રૂટ કંપનીવાળા નીતિનભાઈ દાસાણીને ત્યાં આ કેરી હરાજી માટે લાવવામાં આવી હતી અને શાયરભાઈ જેન્તીભાઈ નામના ઈજારેદાર દ્વારા લવાયેલી કેરીના આ બોક્સની હરરાજીમાં કિલોનો ભાવ 501 રૂ.થી શરૂઆત કરવામાં આવી હતી. ગુલાબની પાંદડીઓથી વધાવીને તથા મોં મીઠું કરવા માટે પેંડા લાવીને કેરીનું સ્વાગત થયું હતું અને પોરબંદરમાં વી.વી.આઈ.પી. ગ્રાહકો માટે કેરી પૂરી પાડતા દિલીપભાઈ જેરામભાઈએ સૌથી વધુ બોલી કરીને કિલોના 1251 રૂ.જેવો ઉંચો ભાવ બોલીને રૂ.12,510માં કેરીનું બોક્સ વેચાતું લીધું હતું.

નીતિનભાઈ દાસાણીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે કમોસમી વરસાદના લીધે કેરીના પાકમાં ખુબ મોટું નુકસાન થયું હોવાથી આ વર્ષે કેરીનું ઉત્પાદન પણ પ્રમાણમાં ઘટી જશે. આમ છતાં રેકોર્ડબ્રેક ભાવે કેરીની હરાજી થતા ઈજારેદારને મોજ પડી ગઈ હતી!

 

 

ઇ-પેપરના નવા શુલ્ક