• રવિવાર, 05 એપ્રિલ, 2026

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા આજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે

યુવાઓને પ્રાધાન્ય, ગુનાઇત ઈતિહાસ ધરાવનારને ટિકિટ નહીં : અમિત ચાવડા

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.4: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે ત્યારે તમામ રાજકીય પક્ષો હવે ઉમેદવારોની યાદીને અંતિમ ઓપ આપવાની તૈયારીમાં લાગી ગયા છે. કોંગ્રેસ દ્વારા આવતીકાલે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે. આ માટે શનિવારે અમદાવાદમાં આવેલા રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં તમામ જિલ્લાઓમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતોમાં કોંગ્રેસના ઉમેદવારોના નામો અંગે મનોમંથન કરાયું હતું.

પત્રકાર પરિષદને સંબોધતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે આજરોજ ચૂંટણી સંકલન સમિતિની બેઠક મળી હતી. આ બેઠક દરમિયાન તમામ મુદ્દાઓ પર ઝીણવટપૂર્વક ચર્ચા કરાઈ હતી. જેમાં ખાસ કરીને યુવા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવે, ગુનાહીત ઈતિહાસ ધરાવતા લોકોને ચૂંટણીમાં ટિકિટ નહીં આપવા માટેની ચર્ચા થઈ હતી. સ્થાનિક સ્તરે જ ઉમેદવારોની પસંદગી કરાશે, જેના ભાગસ્વરૂપે સમગ્ર ગુજરાતના તમામ તાલુકા, જિલ્લા અને શહેરોમાં પ્રદેશના નિરીક્ષકની ઉપસ્થિતિમાં ઉમેદવારોને સાંભળવામાં આવ્યા છે.

સ્થાનિક ચૂંટણી સમિતિઓ સાથે જિલ્લા પ્રમુખો, તાલુકા પ્રમુખો અને પ્રભારીઓએ વિસ્તૃતમાં એક-એક બેઠકની છણાવટ સાથે ચર્ચાઓ કરી છે. મહાનગરપાલિકાઓ માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાની શરૂઆત કરાઈ છે. હાલમાં લગભગ નવ મહાનગરપાલિકાઓની ઉમેદવારોની પેનલ અને આખરી યાદીઓ મળી છે. આ તમામ પેનલો પર વિસ્તૃત ચર્ચા અને સઘન ચકાસણી કરવામાં આવશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આવતીકાલે પ્રથમ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે. 

રાજ્યના 100થી વધુ સહકારી આગેવાનો કોંગ્રેસમાં જોડાયા

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે અને સાથે જ પક્ષોમાં ફેરફારની મોસમ પણ ખીલી છે. કઠલાલના પૂર્વ અઙખઈ ચેરમેન હસમુખ ભાઈ ગુલાબાસિંહ પરમાર, ઈન્દ્રવદનભાઈ પરમાર, ચેરમેન, દૂધ મંડળી, રમેશભાઈ બુધાભાઈ પરમાર, પૂર્વ ચેરમેન દૂધ મંડળી, મનુભાઈ બાબુભાઈ સોલંકી,સમાજ અગ્રણી સહિત રાજ્યના 100થી વધુ વિવિધ સહકારી ક્ષેત્રનાં સામાજિક તથા રાજકીય આગેવાનો કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે અમિત ચાવડાએ તમામને કોંગ્રેસનો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા.

 

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક