નિકાસ છૂટ પણ કન્ટેઇનરની અછત, ઉંચા ભાડાંથી સોદા મુશ્કેલ
ઘઉં
ટેકાથી સસ્તાં વેચાતા ખેડૂતોને નુકસાન
રાજકોટ,
તા.10 (ફૂલછાબ ન્યૂઝ) : ઘઉંની નવી આવકને મહિના જેવો સમય પસાર થઇ ચૂક્યો છે. જોકે આરંભથી
જ ઘઉં ટેકાના ભાવથી સસ્તાં વેચાઇ રહ્યા છે. બીજી તરફ ખાનાર વર્ગને હજુ ગયા વર્ષ જેવો
જ ભાવ ચૂકવવો પડતો હોવાથી ઘઉંના મોટાં પાક કે નીચાં ભાવનો ફાયદો મળ્યો નથી. સરવાળે
ખેડૂતો અપૂરતા ભાવથી પીડાય છે અને ખાનાર વર્ગને ટોપ ભાવ ચૂકવવા પડે છે.
ગુજરાતભરમાં
ઘઉંની આવક 50-60 હજાર ગુણી રોજબરોજ થવા લાગી છે. અગાઉ એક લાખ ગુણી સુધી પહોંચી ગઇ હતી.
અલબત્ત, નીચાં ભાવને લીધે ઘણાબધા ખેડૂતોએ વેચાણ કરવાને બદલે ઘરમાં કે ગોદામમાં સાચવવાનું
પસંદ કર્યું છે. સરકારી ખરીદી શરૂ થાય તેની પણ રાહ જોવાય રહી છે. સરકારી ખરીદી હજુ
કેટલાક સેન્ટરોમાં સાવ મંદ ગતિએ શરૂ થઇ છે.
ઘઉંનો
લઘુત્તમ ટેકાનો ભાવ રૂ. 517 નક્કી કરાયો છે જ્યારે યાર્ડમાં ઘઉંના સોદા રૂ. 500 સુધી
માંડ માંડ થાય છે. 90 ટકા કરતા વધારે ઘઉં ટેકા કરતા સસ્તાં વેચાઇ રહ્યા હોવાથી ખેડૂતો
આર્થિક મુશ્કેલીમાં આવી ગયા છે, સરકારી ખરીદીની રાહમાં છે. હવે ખાનાર વર્ગની બારમાસી
માગ શરૂ થઇ ગઇ છે અને એક મહિના સુધી ચાલશે. શોર્ટેક્સ ઘઉંનો ભાવ સરેરાશ રૂ. 570-700
સુધીનો ક્વોલિટી પ્રમાણે ચાલે છે. મશીન સાફ ટૂકડી રૂ. 500-550માં રિટેઇલમાં મળે છે.
જોકે
એ પૂર્વે ઘઉંનો જથ્થો ગોદામોમાં ભરવામાં આવી રહ્યો છે. એક આટા ઉત્પાદકે કહ્યું કે,
ગુજરાતભરમાં ઘઉંના ભાવમાં મંદીને લીધે આવક તૂટી છે. માર્કેટ યાર્ડમાં લોકવન ઘઉં રૂ.
430-490માં વેચાય છે જ્યારે ટૂકડાનો ભાવ રૂ.435-500 સુધી બોલાય છે.
તેમણે
ઉમેર્યુ કે, ઘઉંના ભાવ ઘટ્યા પછી સ્થિર થઇ ગયા છે. મિલબર ઘઉંનો ભાવ મિલ ડિલિવરીની શરતમાં
ક્વીન્ટલે રૂ. 2300-2325 વચ્ચે ચાલે છે. મિલોમાં ઉત્પાદન નિયમિત થઇ રહ્યું છે. જોકે
સરકારની નિકાસછૂટ પછી પણ અત્યારે ઘઉં કે તેની પેદાશ નિકાસમાં મોકલવાનું શક્ય નથી. ફેબ્રુઆરી
માસમાં સરકારે બ25 લાખ ટન ઘઉં અને બે તબક્કે
5-5 લાખ ટન ઘઉંની પેદાશોની નિકાસ છૂટ આપેલી છે.
વૈશ્વિક
બજારમાં ભારતીય ઘઉંની પ્રોડક્ટસની માગ અખાતી દેશો તથા આફ્રિકામાં રહેતી હોય છે પણ આ
વર્ષે નિકાસછૂટ છતાં માલ મોકલવાનું શક્ય નથી. યુદ્ધને લીધે કન્ટેઇનરોની ભારે અછત છે.
વળી કન્ટેઇનર ભાડાં અને શિપીંગના અન્ય ખર્ચામાં મોટો વધારો થઇ ગયો છે પરિણામે કોઇપણ
નિકાસકાર અત્યારે માલ ભરવા રાજી નથી. ઘઉંની કિંમત કરતા અન્ય ખર્ચ વધારે ઉંચું આવી રહ્યું
હોવાથી ટૂંકાગાળામાં તો નિકાસ થવી અસંભવ દેખાય છે. યુદ્ધ વિરામ પછી સ્થિતિ થાળે પડતા
ઘણો સમય લાગી શકે છે. ખેડૂતોનો માલો માત્ર લોકલ ખપતમાં અત્યારે જઇ રહ્યો છે.
સરકારી
એજન્સીઓ દ્વારા મોટાંપાયે માલ ખરીદી થઇ જાય અને ખૂલ્લા બજારમાં કામચલાઉ અછત થઇ જાય
તો સીઝનના અંતે ઘઉંના ભાવમાં થોડો ચમકારો આવશે તેમ જાણકારો કહે છે.
ગુજરાતમાં
ઘઉંનું ઉત્પાદન 48 લાખ ટન થવાનો અંદાજ ખેતીવાડી વિભાગે બીજા આગોતરા અંદાજમાં વ્યક્ત
કર્યો છે.