(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા. 13: ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે આગામી 48 કલાકમાં તાપમાનમાં વધુ
2થી 3 ડિગ્રી વધારો થવાની શક્યતા છે. જ્યારે કચ્છમાં હિટવેવની ચેતવણી આપવામાં આવી છે.
સૌરાષ્ટ્ર-કચ્છ માટે આગામી છ દિવસ યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે. આજે રાજકોટ
42.4 ડિગ્રી તાપમાન સાથે સૌથી વધુ ગરમ શહેર રહ્યું હતું.
ગુજરાતમાં
ઉનાળાનો પ્રભાવ તેજ બનતા છેલ્લા 24 કલાકમાં અનેક વિસ્તારોમાં મહતમ તાપમાનમાં વધારો
નોંધાયો છે. હવામાન વિભાગ મુજબ આગામી 48 કલાકમાં તાપમાનમાં વધુ 2થી 3 ડિગ્રી વધારો
થવાની શક્યતા છે અને આગામી સાત દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાની આગાહી છે. રાજ્યના
અન્ય મુખ્ય શહેરોમાં જોઇએ તો અમદાવાદમાં 41, બરોડામાં 41.4, ભુજમાં 40.6, ગાંધીનગરમાં
40.6 તેમજ સુરતમાં 37.8 ડિગ્રી મહતમ તાપમાન નોધાયું હતું.