ગુજરાતમાં ફક્ત 35,949 ટન ઘઉં ટેકાના ભાવથી ખરીદાયા : 15 જૂન સુધી ખરીદી લંબાવાઇ
(ફૂલછાબ
ન્યૂઝ)
રાજકોટ,તા.15:
ઘઉંનું બમ્પર ઉત્પાદન ગુજરાતમાં થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. આવકોની ચરમસીમાનો સમય
પૂરો થઇ ગયો છે અને મંડીઓમાં આવક તૂટવા લાગી છે છતાં લઘુત્તમ ટેકાના ભાવથી સરકારી ખરીદી
પાકની તુલનાએ એક ટકો પણ નથી થઇ ! ખેડૂતોએ નોંધણી તો મોટી સંખ્યામાં કરાવી છે પણ કોઇને
કોઇ કારણથી ખરીદ કેન્દ્ર પર જવા ખેડૂતો રાજી નથી. સરકારે ખરીદીનો સમય એક મહિનો વધારી
દીધો છે. સરકારી ખરીદી 15 મેએ પૂરી થતી હતી તે 15 જૂન સુધી લંબાવી છે. જોકે એમાં ય
ખાસ જથ્થો ખરીદાશે નહીં તેમ લાગે છે.
ગુજરાતમાં
ઘઉંની ખરીદી દોઢ બે માસથી ચાલે છે પરંતુ ખેડૂતોને સરકારી કેન્દ્રો પર જવામાં રસ નથી.
સરકારે 71,054 ખેડૂતોની નોંધણી ટેકાના ભાવથી વેચાણ માટે કરી હતી. એ પૈકી 19,784 ખેડૂતોને
એસએમએસ દ્વારા બોલાવાયા છે. જોકે એમાંથી ફક્ત 7399 ખેડૂતોએ જ ઘઉં વેંચ્યા છે. સરકારે
ફક્ત 35,949 ટનની ખરીદી કરી છે. બીજી તરફ સરકારે બીજા આગોતરા અંદાજમાં ઘઉંનું ઉત્પાદન
48.55 લાખ ટન થશે તેમ કહ્યું છે. એ રીતે ખરીદીની ટકાવારી એક ટકો પણ નથી.
ઘઉંનો
લઘુત્તમ ટેકાનો ભાવ રૂ. 2585 પ્રતિ ક્વીન્ટલ છે. ખૂલ્લા બજારમાં મિલબર ઘઉં રૂ.
2300માં વેચાય છે. છતાં ખેડૂતોને સરકારી ખરીદીમાં નહીવત રસ છે. એક ફ્લોર ઉત્પાદક કહે
છે, સરકારી કેન્દ્રો પર જૂજ સંખ્યામાં ખેડૂતોને બોલાવવામાં આવે છે. મેસેજ મળ્યા પછી
પણ ખેડૂત જાય ત્યારે વારંવાર બારદાન, સર્વર વગેરેના પ્રશ્નો ખડાં થાય છે છેવટે ખેડૂતો
કંટાળીને જવાનું માંડીવાળે છે. તેમણે ઉમેર્યું કે, ખૂલ્લા બજાર કરતા સરકારમાં રૂ.
285 ઉંચા મળે છે. આવો ભાવ મળતો હોય તો સ્વાભાવિકપણે ખેડૂતો મોટી સંખ્યામાં આવવા જોઇએ
પણ એમ બનતું નથી.
ગુજરાતભરના
માર્કેટ યાર્ડમાં ઘઉંની આવક ઘટીને અત્યારે પચ્ચાસ હજાર ગુણી કરતા ઓછી થઇ ગઇ છે. યાર્ડમાં
લોકવન ઘઉંનો ભાવ રૂ. 455-510 સુધી બોલાય છે. જ્યારે ટૂકડામાં રૂ. 460-590 સુધીનો ભાવ
ચાલે છે. અલબત્ત પાંચસો રૂપિયા કરતા ઉંચા ભાવમાં વેચાતો હોય તેવા ઘઉં 10 ટકા પણ આવતા
નથી તેમ વેપારીઓ કહે છે. ટેકા કરતા સસ્તાં ભાવમાં માર્કેટ યાર્ડમાં ઘઉંનું વેચાણ થઇ
જાય છે.
ઘઉંમાં
હવે બારમાસી માગ પણ પૂરી થઇ ગઇ છે અને હવે માત્ર મિલો સોદા કરી રહી છે.મિલોમાં રૂ.
2300ના ભાવથી ખેડૂતો ડાયરેક્ટ વેચાણ કરી રહ્યા છે. બીજી તરફ સરકારે નિકાસ માટે છૂટ
આપ્યા પછી રૂપિયો નબળો પડતા એક કંપનીએ આશરે 22 હજાર ટનની નિકાસના સોદા કર્યાના સમાચાર
છે. હજુ વધુ સોદા માટે વાટાઘાટો થઇ રહી હોવાના અહેવાલ છે.