• શનિવાર, 16 મે, 2026

તાલાલા, સાવરકુંડલા અને ખાંભા પંથકમાં ધરતીકંપના આંચકા

તાલાલા પંથકમાં છ અને સાવરકુંડલા, ખાંભામાં બે ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ

મધરાત્રે જોરદાર આંચકાથી લોકો ઊંઘમાંથી સફાળા જાગી ગયા : કોઈ જાનહાનિ નહીં 

(ફૂલછાબ ન્યૂઝ)

તાલાલા ગિર, અમરેલી તા.15 :તાલાલા, સાવરકુંડલા અને ખાંભા પંથકમાં ધોમધખતા તાપ અને કાળઝાળ ગરમી વચ્ચે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. તાલાલા શહેરમાં ગત મોડીરાત્રીથી આજ બપોર સુધીમાં ધરતીકંપના કુલ છ આંચકા અનુભવાતા લોકોમાં ભય અને ચિંતાનો માહોલ છવાયો છે. મધરાત્રી દરમિયાન આવેલા તીવ્ર આંચકાથી મીઠી નિંદર માણી રહેલા લોકો જાગી ગયા હતા.  ધરતીકંપનાં આંચકા અંગે ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરમાંથી પ્રાપ્ત થયેલી વિગત પ્રમાણે તાલાલા પંથકમાં ગુરૂવારે મોડીરાત્રીથી આજે શુક્રવાર બપોર સુધીમાં છ આંચકા નોંધાયા છે. જેમાં મોડીરાત્રે 04:13 કલાકે આવેલા આંચકાની તિવ્રતા 3.0ની હતી. આ ભારે આંચકો ભૂગર્ભમાંથી 10 કિ.મી.ની ઊંડાઈથી આવ્યો હતો. બીજો આંચકો 5:15 કલાકે નોંધાયો હતો, જેની તીવ્રતા 1.9 હતી. જે માત્ર 4.8 કિ.મી. ઉંડાઈ આવ્યો હતો. ત્રીજો આંચકો 5:19 કલાકે નોંધાયો હતો તેની તીવ્રતા 2.2ની હતી જેની ઉંડાઈ 7.7 કિ.મી. હતી. ચોથો આંચકો 5:25 કલાકે નોંધાયો હતો તેની તીવ્રતા 1.5ની હતી જેની ઉંડાઈ 2.5 કિ.મી. હતી. ત્યાર બાદ આજે બપોરે ફરી આંચકા શરૂ થયાં હતાં. જેમાં 12:43 કલાકે પાંચમો આંચકો નોંધાયો હતો તેની તિવ્રતા 1.7ની હતી જેની ઉંડાઈ 8.3 કિ.મી. હતી. છઠો આંચકો 12:48 કલાકે નોંધાયો હતો તેની તિવ્રતા 1.2ની હતી જેની ઉંડાઈ 12.2 કિ.મી. હતી. તમામ આંચકાનું કેન્દ્ર બિંદુ તાલાલા ગીરથી 10થી 15 કિ.મી દૂર ઉત્તર-પશ્ચિમ, ઉત્તર-પૂર્વ, પશ્ચિમ-ઉત્તર દિશામાં નોંધાયું હતું. ધરતીકંપના આંચકાથી કોઈ જાનહાનિ કે મોટી નુકસાની થયાના સત્તાવાર અહેવાલ નથી.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મીતીયાળા પંથકમાં ગઈકાલે મોડી સવારે ભૂકંપના બે આંચકાઓ અનુભવાતા ગ્રામ્ય વિસ્તારોમાં ફફડાટ ફેલાયો હતો. માત્ર ચાર મિનિટના સમયગાળામાં બે આંચકાઓ આવતા લોકો ભયભીત બની ઘરની બહાર દોડી આવ્યા હતા. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી વિભાગ દ્વારા પણ આ આંચકાઓની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. ગઈકાલે 10:54 કલાકે પ્રથમ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.1 નોંધાઈ હતી. ત્યાર બાદ 10:58 કલાકે ફરી એક વખત 2 ની તીવ્રતાનો બીજો આંચકો અનુભવાતા મીતીયાળા સહિત આસપાસના ગામોમાં લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. ભૂકંપના આંચકાઓ મીતીયાળા, ધજડી, સાકરપરા તેમજ ખાંભા ગીરના ગામડાઓમાં સ્પષ્ટ રીતે અનુભવાયા હતા. ઉપરાંત ખાંભા, નાનુડી, ઈંગોરાળા, નાના વિસાવદર, અનિડા સહિતના વિસ્તારોમાં પણ લોકો ભૂકંપના આંચકાથી ગભરાઈ ગયા હતા. અચાનક જમીન ધ્રૂજતા કેટલાક લોકો પોતાના ઘર અને દુકાનોમાંથી બહાર નીકળી ખુલ્લા મેદાનોમાં પહોંચી ગયા હતા. સિસ્મોલોજી વિભાગના પ્રાથમિક અહેવાલ મુજબ ભૂકંપનું કેન્દ્રાબિંદુ અમરેલીથી અંદાજે 44 કિલોમીટર દૂર નોંધાયું હતું. જોકે હાલ સુધી કોઈ જાનહાની કે માલ મત્તાના નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી. 

ઇ-પેપરના નવા શુલ્ક