• શુક્રવાર, 05 જૂન, 2026

આગામી બે દિવસ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શકયતા, જ્યારે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં અસહ્ય બફારો અને ઉકળાટ લોકોને અકળાવશે

અમદાવાદ, રાજકોટ તા. 4

અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ બેવડી સિસ્ટમ એક્ટિવ થવાને લીધે આગામી બે દિવસ દરમિયાન રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ પડવાની પ્રબળ સંભાવના છે. આ સમયગાળા દરમિયાન પવનની ગતિ 15 થી 25 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા હોવાથી વાવાઝોડા જેવો માહોલ જોવા મળી શકે છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના અનુસાર ચોમાસાની આ સિસ્ટમની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી જાહેર કરી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને આસપાસના પંથકમાં સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. હાલમાં હવામાન વિભાગ દ્વારા 10 જૂન સુધીનું પૂર્વાનુમાન જારી કરવામાં આવ્યું છે.  બીજી તરફ, ચોમાસા પૂર્વેના આ વાતાવરણમાં લોકોને બેવડી ઋતુનો સામનો કરવો પડશે. એક તરફ પવન સાથે વરસાદી માહોલ રહેશે, તો બીજી તરફ અસહ્ય ગરમી અને બફારો અકળાવશે. ખાસ કરીને અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ભેજનું પ્રમાણ વધતાં લોકોને ભારે ઉકળાટ અને બફારાનો અહેસાસ થશે. જોકે, આ અકળામણ બાદ ટૂંક સમયમાં જ મેઘરાજા ગુજરાતને તરબતર કરશે. 

આજે સાંજે નોંધાયેલા મહત્તમ તાપમાનના આંકડા પર નજર નાખતા જણાય છે કે આજે સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 41.4 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે રાજકોટમાં  40.4, ભાવનગરમાં 40.1, બરોડામાં 38.8, ડીસામાં 39.4, કંડલામાં 38, સુરેન્દ્રનગરમાં 40.5 તેમજ સુરતમાં 35.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક