માતા-પુત્રી અને દોહિત્રીએ આપઘાત કર્યો કે હત્યાનું કાવતરું તે અંગે ઘૂંટાતું રહસ્ય
(અમારા
પ્રતિનિધિ તરફથી ) અમદાવાદ, તા.4: ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલી પિયજ ગામની
નર્મદા કેનાલમાંથી એક સાથે ત્રણ પેઢીની સ્ત્રીઓના મૃતદેહ મળતા અરેરાટી વ્યાપી ગઈ છે.
પિયજ ગામની નર્મદા કેનાલમાં માતા, પુત્રી અને માસૂમ દોહિત્રીની હાથ બાંધેલા મૃતદેહ
મળ્યા હતા. આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રથમ દ્રષ્ટિએ મૃત્યુનો
આ બનાવ શંકાસ્પદ જણાઈ રહ્યો છે. દોરડા વડે હાથ બાંધેલી હાલતમાં મૃતદેહો મળતા હત્યાની
પ્રબળ શંકા નકારી શકાય તેમ નથી. પ્રાપ્ત વિગતો
મુજબ કલોલના પિયજ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં સ્થાનિક લોકોએ પાણીમાં તરતા
મૃતદેહો જોયા હતા. આ અંગેની જાણ તાત્કાલિક સ્થાનિક પોલીસને કરાઈ હતી. ઘટનાની ગંભીરતાને
ધ્યાનમાં રાખીને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો
હતો. ત્રણેય મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી
હાથ ધરી હતી. પોલીસ તપાસમાં મૃતકોની ઓળખ સંગીતાબેન બચુભાઈ પ્રજાપતિ (માતા, નેહાબેન
દીપકભાઈ પ્રજાપતિ (પુત્રી) અને પહલ દીપકભાઈ પ્રજાપતિ (બે વર્ષની દોહિત્રી) તરીકે થઈ
છે. તરવૈયાઓએ ત્રણેય મૃતદેહોને બહાર કાઢ્યા ત્યારે ત્રણેય મૃતકોના હાથ દોરડા કે કપડાથી
બાંધેલી હાલતમાં હતા. આ પરિસ્થિતિ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ સામાન્ય આત્મહત્યા કે
ડૂબી જવાનો મામલો નથી, પરંતુ તેની પાછળ કોઈ મોટું કાવતરું કે ક્રૂર હત્યાકાંડ હોઈ શકે
છે.