• શુક્રવાર, 05 જૂન, 2026

અમરેલીમાં જમીન વિવાદમાં મોટાભાઈએ કુહાડીના ઘા ઝીંકી નાના ભાઈની કરી હત્યા

            ખાંભાના કંટાળા ગામે માતાની જીવાઈની જમીનના ભાગ પાડવા બાબતે થયેલા ઝઘડામાં સગા ભાઈએ જ ખેલ્યો ખૂની ખેલ; 6 શખસ સામે ગુનો દાખલ

અમરેલી તા.4: ‘જર, જમીન અને જોરૂ કજીયાના છોરુ’ એ કહેવતને સાર્થક કરતી એક અત્યંત ચોંકાવનારી અને લોહિયાળ ઘટના અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના કંટાળા ગામે પ્રકાશમાં આવી છે. અહીં માતાની જીવાઈ માટે રાખેલી ખેતીની જમીનના ભાગ પાડવા બાબતે સર્જાયેલા કૌટુંબિક વિવાદમાં મોટાભાઈએ પોતાના જ સગા નાના ભાઈ પર લાકડી અને કુહાડી વડે જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો છે. સગા ભાઈના હાથે જ ભાઈની હત્યાની આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર અને અરેરાટી વ્યાપી ગઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ કંટાળા ગામે રહેતા રાઘવભાઈ સોંદરવા અને તેમના પરિવારજનો વચ્ચે માતાની જીવાઈની ખેતીની જમીનના ભાગ પાડવા બાબતે વિવાદ ચાલી રહ્યો હતો. આ મુદ્દે બંને પક્ષો વચ્ચે અગાઉ પણ અનેક વખત તકરારો થઈ હતી. દરમિયાન બુધવારે વિવાદ વધુ ઉગ્ર બનતાં બંને પક્ષ સામસામે આવી ગયા હતા. આ દરમિયાન મોટાભાઈ સહિતના પરિવારના સભ્યોએ રાઘવભાઈ સોંદરવા ઉપર લાકડીઓ અને કુહાડી વડે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. હુમલામાં રાઘવભાઈને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચતા તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. પરિવારજનો અને ગામલોકોએ તેમને તાત્કાલિક સારવાર માટે ખાંભા હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે તબીબોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં ખાંભા પોલીસનો કાફલો તાત્કાલિક હોસ્પિટલ તથા ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં જમીન વિવાદ હત્યાનું મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે. આ બનાવને લઈને ખાંભા પોલીસે કુલ છ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક