• શનિવાર, 06 જૂન, 2026

ગોંડલના સેમળા ગામે તળાવમાં ડૂબી જવાથી ત્રણ બાળકનાં મૃત્યુ

સરપંચે બહાર કાઢી ખાનગી હોસ્પિટલમાં ખસેડયા, તબીબોએ મૃત જાહેર કર્યા

ગોંડલ,તા.5:ગોંડલ તાલુકાના સેમળા ગામે એક અત્યંત કરૂણ ઘટના સામે આવી છે, જ્યાં તળાવ કાંઠે રમતા રમતા પાણીમાં પડી જવાથી મધ્યપ્રદેશના શ્રમિક પરિવારના ત્રણ માસૂમ બાળકોના મોત નીપજ્યા છે. આ અકસ્માતમાં અન્ય એક બાળકનો આબાદ બચાવ થયો છે. છેલ્લા કેટલાક સમયથી સેમડા ગામે રહીને ખેતમજૂરી કરતા શ્રમિક પરિવારોના બાળકો તળાવ નજીક રમી રહ્યા હતા, ત્યારે અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ નજીકમાં વાડી ધરાવતા ગામના સરપંચ નીરૂભા જાડેજા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેમણે બાળકોને પાણીમાંથી બહાર કાઢી સારવાર માટે ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ ત્રણેય માસૂમોને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગોંડલની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

આ ઘટનામાં જીવ ગુમાવનારા બાળકોમાં 6 વર્ષીય અર્જુન ભુરાભાઈ બાબરીયા, 6 વર્ષીય લખન કરસનભાઈ ડામોર અને તેની 3 વર્ષની સગી બહેન લક્ષ્મી કરસનભાઈ ડામોરનો સમાવેશ થાય છે. રોજીરોટી કમાવવા વતનથી દૂર આવેલા ગરીબ પરિવારોના આંગણામાંથી એકસાથે ત્રણ-ત્રણ માસૂમોની ચિરવિદાય થતાં પરિવારજનોના હૈયાફાટ રૂદનથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક