દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસશે
(અમારા
પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 5 : હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ સુધી
હળવાથી મધ્યમ વરસાદની સત્તાવાર આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 10 જૂન સુધી વરસાદી
માહોલ સંપૂર્ણપણે યથાવત્ રહેશે, જેના કારણે તાપમાનમાં મોટો ઘટાડો નોંધાશે અને વાતાવરણમાં
ઠંડક પ્રસરશે.
હવામાન
વિભાગની યાદી મુજબ, હાલમાં બે ટ્રફ સક્રિય છે ત્યારે પ્રારંભિક વરસાદ બાદ પણ 6થી
10 જૂન દરમિયાન વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે. આ ગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના
જિલ્લાઓમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અથવા ચોમાસાના આગમનના સંકેત રૂપે સતત
વરસાદ ચાલુ રહેશે. ખેડૂતો માટે પણ આ વરસાદી માહોલ વાવણી પ્રક્રિયાના આયોજન માટે ખૂબ
જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. તંત્ર દ્વારા માછીમારો અને દરિયાકાંઠાના વિસ્તારોને
પણ એલર્ટ રહેવા સૂચના અપાઈ છે.
અરબી
સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન
વિભાગના અનુસાર આ બેવડી સિસ્ટમ એક્ટિવ થવાના કારણે આગામી બે દિવસ દરમિયાન ગુજરાતમાં
ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન પવનની ગતિ
15થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવાની સંભાવના છે, જેથી વાવાઝોડા જેવો માહોલ
સર્જાઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા આવતીકાલે વિવિધ વિસ્તારોમાં યલો એલર્ટ જારી કરવામાં
આવી છે. જેમાં ઉત્તર ગુજરાતમા બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી,
ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહાનગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે સંભાવના
છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી,
વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલી તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં એટલે કે
સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવનો સમાવેશ થાય છે.
આજે
સાંજે નોંધાયેલા મહત્તમ તાપમાનના આંકડા પર નજર નાખતા જણાય છે કે આજે પણ સૌથી વધુ તાપમાન
અમદાવાદમાં 41.3 ડિગ્રી નોંધાયું હતું જ્યારે રાજકોટમાં 40.6, ભાવનગરમાં 39, બરોડામાં
39.4, ડીસામાં 39.2, કંડલામાં 39.5, સુરેન્દ્રનગરમાં 40.4 તેમજ સુરતમાં 36 ડિગ્રી તાપમાન
નોંધાયું હતું.