• શનિવાર, 20 જૂન, 2026

પાવાગઢ ડુંગર પર પથ્થર પડતા 2 શ્રદ્ધાળુનાં મૃત્યુ

4 ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં, માચીથી ડુંગર જતા પાટિયાપુલ પાસે વહેલી સવારે સર્જાયેલી દુર્ઘટનાથી યાત્રાળુઓમાં ભારે અફરાતફરી

વડોદરા, તા.19: યાત્રાધામ પાવાગઢ ખાતે ખાબકેલા ભારે વરસાદ બાદ આજે વહેલી સવારે 5:00 વાગ્યાની આસપાસ એક મોટી હોનારત સર્જાઈ છે. માચીથી ડુંગર તરફ જવાના મુખ્ય માર્ગ પર પાટિયાપુલ નજીક અચાનક એક વિશાળ ભેખડ ધસી પડી હતી. આ ગંભીર ભૂસ્ખલનને કારણે પર્વત પરથી મોટા પથ્થરો નીચેથી પસાર થઈ રહેલા શ્રદ્ધાળુઓ પર પડતાં અફરાતફરીનો માહોલ વ્યાપી ગયો હતો. આ ઘટનામાં 2 શ્રદ્ધાળુના સ્થળ પર જ કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યા છે, જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

દુર્ઘટનાની જાણ થતાં જ પાવાગઢના સરપંચ, સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને બચાવ ટુકડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ભારે જહેમત બાદ પથ્થરો નીચે દબાયેલા લોકોને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતકોના શબોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

પ્રાથમિક માહિતી અનુસાર ભોગ બનનાર મુસાફરો અમદાવાદ અને સુરતના વતની હોવાનું સામે આવ્યું છે. જ્યારે મૃત્યુ પામનાર બન્ને વ્યક્તિઓ ખેડા જિલ્લાના હોવાનું જાણવા મળ્યું છે. જેમાં પ્રણવાસિંહ છત્રાસિંહ પરમાર (ઉંમર: 52 વર્ષ) રહે. લલુપુરા, તા. કઠલાલ, જિ. ખેડા અને ગુણવંતાસિંહ ભવાનાસિંહ પરમાર (ઉંમર: 40 વર્ષ) રહે. લલુપુરા, તા. કઠલાલ, જિ. ખેડાના મૃત્યુ થયા છે. હાલ હોસ્પિટલના સૂત્રો મુજબ 4 ઈજાગ્રસ્તમાંથી 2 લોકોને સામાન્ય ઈજા હોવાથી પ્રાથમિક સારવાર આપી રજા અપાઈ છે, જ્યારે 2 શ્રદ્ધાળુ હજુ સારવાર હેઠળ છે.

ચોમાસાની શરૂઆતમાં જ બનેલી આ ઘટનાને પગલે ડુંગર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આગામી સમયમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે વહીવટી તંત્ર દ્વારા હાલ પૂરતી અવરજવર બંધ કરી દેવામાં આવી છે. પ્રશાસન દ્વારા માર્ગ અને મકાન વિભાગ, ફોરેસ્ટ, પોલીસ અને મહેસૂલ તંત્રની એક સંયુક્ત કમિટી બનાવીને આખા રૂટનું ઝીણવટભર્યું રી-ઇન્સ્પેકશન શરૂ કરાયું છે. ડુંગર પર આવા અન્ય કોઈ જોખમી સ્પોટ્સ હશે તેને આઇડેન્ટિફાય કરી, જરૂરી સમારકામ કર્યા બાદ જ યાત્રાળુઓ માટે આ માર્ગ ફરીથી ખોલવામાં આવશે.

9 મહિના પહેલા પણ સર્જાઈ હતી રોપવે દુર્ઘટના

અત્રે ઉલ્લેખનીય છે કે, પાવાગઢમાં અંદાજે 9 મહિના પહેલા પણ એક મોટી દુર્ઘટના ઘટી હતી, જેમાં માલવાહક રોપવેનો તાર તૂટી પડતાં 2 લિફ્ટ ઓપરેટર, સિક્યુરિટી ગાર્ડ અને ફૂલના વેપારી સહિત કુલ 6 લોકોના મૃત્યુ નીપજ્યા હતા. શક્તિપીઠ ખાતે વારંવાર સર્જાતી આવી હોનારતોને પગલે હવે શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઈને તંત્રએ વધુ કડક પગલાં ભરવાની જરૂરિયાત ઊભી થઈ છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક