• શનિવાર, 20 જૂન, 2026

જેતપરમાં ઉપવાસ આંદોલનમાં ખેડૂતની તબિયત લથડી, સારવાર બાદ ફરી છાવણીમાં જોડાઈ ગયા

વીજલાઈનના વળતર મુદ્દે આંદોલન વધુ ઉગ્ર બન્યું ; યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી આંદોલન યથાવત્ રાખવાનું એલાન

મોરબી, તા.19 : જિલ્લાના જેતપર ગામે વીજલાઈનના યોગ્ય વળતર અને ખેડૂતોના હકો માટે ચાલી રહેલું આંદોલન હવે વધુ ઉગ્ર બન્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી પ્રતીક ઉપવાસ કરી રહેલા ખેડૂતો દ્વારા ગઈકાલથી ‘ખેડૂત આંદોલન પાર્ટ-2’ અંતર્ગત આમરણાંત ઉપવાસ શરૂ કરવામાં આવ્યો છે. ખેડૂતો માત્ર પાણીના સહારે અન્ન અને અન્ય પ્રવાહીનો સંપૂર્ણ ત્યાગ કરીને લડત ચલાવી રહ્યા છે.

આંદોલનની શરૂઆત મોટી સંખ્યામાં ખેડૂતો, ગ્રામજનો તેમજ સાધુ-સંતોની હાજરીમાં થઈ હતી. સૌએ રામજી મંદિરે દર્શન કર્યા બાદ ઉપવાસ આંદોલનનો પ્રારંભ કર્યો હતો. કૈલાશગીરી ગુરુ મહાદેવગીરી, રતિલાલ અમૃતિયા, નેહુલ અમૃતિયા, રામજીભાઈ ભાડજા, નિલેશ એરવાડિયા સહિત પાંચ આગેવાનો ઉપવાસ પર બેઠા હતા. આમરણાંત ઉપવાસના બીજા દિવસે આંદોલનકારી રામજીભાઈ નાનજીભાઈ ભાડજાની તબિયત અચાનક લથડી હતી. તેમને છાતીમાં દુખાવો ઉપડતા તાત્કાલિક 108 મારફતે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટરોએ જરૂરી તપાસ અને સારવાર આપી હતી. જોકે સારવાર પૂર્ણ થતાં જ રામજીભાઈ ફરી ઉપવાસી છાવણીમાં પહોંચી જતા આંદોલનકારીઓમાં નવી ઊર્જા જોવા મળી હતી.

ખેડૂતોનો આક્ષેપ છે કે, વીજ થાંભલાઓ અને લાઈનના કારણે તેમની ખેતીલાયક જમીનનો મોટો હિસ્સો અસરગ્રસ્ત બની રહ્યો છે. આ દરમિયાન આંદોલનમાં વધુ એક ખેડૂત નિલેશભાઈ પ્રાણજીવનભાઈ અઘારા જોડાતા હવે કુલ છ લોકો આમરણાંત ઉપવાસ પર બેઠા છે. ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી આંદોલન યથાવત્ રહેશે.

44 ગામના ખેડૂતો સમર્થનમાં જોડાયા

જેતપર ગામે ખાનગી કંપનીના વીજપોલોના વિરોધ અને પૂરતા વળતરની માગ સાથે ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનના પ્રથમ જ દિવસે મોરબી, માળિયા અને હળવદ તાલુકાના 44 ગામના ખેડૂતો સમર્થનમાં જોડાયા હતા. ઉપવાસી છાવણીની મુલાકાત લેવા 2,775થી વધુ ખેડૂતો પહોંચ્યા હતા. ખેડૂતોનું કહેવું છે કે યોગ્ય વળતર મળ્યા વિના જમીન પરના કામને સ્વીકારવામાં આવશે નહીં.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક