• શનિવાર, 20 જૂન, 2026

ભાવનગર સર ટી. હોસ્પિટલમાં રાગિંગ કેસમાં 6 વિદ્યાર્થી સસ્પેન્ડ

13 જુનિયર ડૉક્ટરોની ફરિયાદ બાદ આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાના આદેશથી મોડી રાત સુધી ચાલી મેરેથોન બેઠક

દોષિતોને હોસ્ટેલમાંથી હાંકી કઢાયા, કોલેજમાંથી 6 મહિનાથી 2 વર્ષ સુધી બરતરફ

ભાવનગર, તા.19 : ભાવનગરની પ્રતિષ્ઠિત સર ટી. હોસ્પિટલના મેડિકલ કેમ્પસમાંથી રાગિંગની એક અત્યંત ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવતાં સમગ્ર તબીબી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. હોસ્પિટલના પીજી ઓર્થોપેડિક વિભાગમાં અભ્યાસ કરતા પ્રથમ વર્ષના 13 જુનિયર વિદ્યાર્થીઓએ (જુઓ પાનું 10)

સિનિયર ડૉક્ટરો વિરુદ્ધ ઓનલાઈન રાગિંગની ફરિયાદ નોંધાવી હતી. આ મામલો રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ સુધી પહોંચતા, આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ તાત્કાલિક કડક તપાસના આદેશ આપ્યા હતા. જેના પગલે એન્ટી-રાગિંગ કમિટીએ મોડી રાત સુધી સઘન પૂછપરછ હાથ ધરીને દોષિત 6 સિનિયર તબીબો સામે સસ્પેન્શન અને કૉલેજમાંથી બરતરફીના આકરા પગલા ભર્યા છે.

મળતી વિગત પ્રમાણે હોસ્પિટલના પીજી ઓર્થોપેડિક વિભાગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા 13 જુનિયર વિદ્યાર્થી દ્વારા સિનિયર ડૉક્ટરો વિરુદ્ધ રાગિંગ અંગેની ઓનલાઈન ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ગંભીર મામલો રાજ્યના આરોગ્ય મંત્રી સુધી પહોંચતા તેમણે તાત્કાલિક કડક તપાસના આદેશો જારી કર્યા હતા. જેને પગલે હોસ્પિટલ પ્રશાસન અને એન્ટી-રાગિંગ કમિટી સફાળી જાગી હતી અને ગઈકાલે સવારથી મોડી રાત સુધી હોસ્પિટલ સત્તાધીશો દ્વારા બેઠકો અને સઘન પૂછપરછનો દોર શરૂ કરાયો હતો. તપાસ સમિતિ સમક્ષ આખો દિવસ ચાલેલી સુનાવણી અને નિવેદનોની પ્રક્રિયા દરમિયાન મોડી રાત્રે જ તમામ આરોપી સિનિયર તબીબોએ ભોગ બનનાર 13 જુનિયર ડૉક્ટરનું રાગિંગ કર્યું હોવાની કબૂલાત કરી લીધી હતી. વિદ્યાર્થીઓ ગુનેગાર સાબિત થતાં આજે વહેલી સવારે કમિટી દ્વારા આકરા પગલાં ભરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે રાગિંગના દૂષણમાં સંડોવાયેલા 6 સિનિયર ડૉક્ટરોને અલગ-અલગ સમયે સસ્પેન્ડ કરી દેવાનો હુકમ કરવામાં આવ્યો છે. સસ્પેન્ડ કરાયેલા વિદ્યાર્થીઓમાં ડૉ. વિરેન્દ્રાસિંહ જાડેજા, ડૉ. પ્રવીણ વર્મા, ડૉ. અમન વર્મા, ડૉ. વિશાલ ડાભી, ડૉ. ધર્મેન્દ્ર દયાલ અને ડૉ. જયંત દેવાનીનો સમાવેશ થાય છે. તંત્ર દ્વારા લેવાયેલા કડક વલણના પગલે આ તમામ સસ્પેન્ડેડ ડૉક્ટરોને આજે સાંજ સુધીમાં જ કૉલેજ અને હોસ્પિટલ પરિસર છોડી દેવાનો કડક આદેશ પણ આપી દેવાયો છે. રજૂઆતોને ધ્યાનમાં લેતા એક વિદ્યાર્થીને 2 વર્ષ માટે, 3 વિદ્યાર્થીને 1 વર્ષ માટે અને 2 વિદ્યાર્થીને 6 મહિના માટે કોલેજમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે, તે દરમિયાન તેઓ ક્લિનિકલ કે એકેડેમિક પ્રવૃત્તિમાં ભાગ નહીં લઈ શકે અને સર ટી હોસ્પિટલ ખાતે હોસ્પિટલમાં પણ તેઓ ભાગ નહીં લઈ શકે. આજે સવારે સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ પણ નોંધાવી દેવાશે.

રાગિંગ જેવી અમાનવીય પ્રવૃત્તિને કોઈપણ સંજોગોમાં સહન કરાશે નહીં : પાનશેરિયા

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું છે કે રાજ્યની કોઈપણ મેડિકલ કોલેજમાં રાગિંગ જેવી અસામાજિક, અમાનવીય અને અશિસ્તપૂર્ણ પ્રવૃત્તિને કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. વિદ્યાર્થીઓની સુરક્ષા, સન્માન અને સ્વસ્થ શૈક્ષણિક વાતાવરણ જાળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને આવા કૃત્યો સામે ઝીરો ટોલરન્સની નીતિ સાથે રાજ્યના આરોગ્ય  વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થીને રાગિંગ, માનસિક ત્રાસ, દબાણ, ધમકી કે અન્ય કોઈપણ પ્રકારના અમાનવીય વર્તનનો સામનો કરવો પડે તો તે નિર્ભયતાપૂર્વક પોતાની કોલેજની એન્ટી-રાગિંગ કમિટી, કોલેજ તંત્ર અથવા સંબંધિત સત્તાધિકારીઓને તાત્કાલિક જાણ કરે. કોઈપણ વિદ્યાર્થીએ આવા દબાણ કે અમાનવીય કૃત્યને સહન કરવું નહીં.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક