અમરેલી, તા.19 : રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક સિંહોએ પરપ્રાંતિય યુવકનો શિકાર કર્યા બાદ મૃતદેહને ખાતા હોવાના દૃશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચિંતા વ્યાપી છે. ટ્રક ચાલકના મોબાઇલમાં કેદ થયેલા આ દૃશ્યો ગિર વિસ્તારમાં સિંહોના બદલાતા વર્તન અંગે અનેક પ્રશ્નો ઊભા કરી રહ્યા છે.
અત્યાર
સુધી ગીર વિસ્તારમાં દીપડાઓ દ્વારા માનવ પર હુમલાની ઘટનાઓ વધુ નોંધાતી હતી, જ્યારે
સિંહો સામાન્ય રીતે માનવથી દૂર રહેતા હોવાનું માનવામાં આવતું હતું. જોકે છેલ્લા એક
સપ્તાહ દરમિયાન અમરેલી જિલ્લામાં ઘંટીયાણ, જૂના સાવર અને કોવાયામાં થયેલા ત્રણ અલગ-અલગ
હુમલાઓમાં ત્રણ લોકોના મૃત્યુ થતાં આ માન્યતા ખોટી સાબિત થતી જોવા મળી રહી છે.
વન્યજીવન
નિષ્ણાતોના મતે સિંહોની આક્રમકતા પાછળ તેમનો દોષ નહીં, પરંતુ તેમના કુદરતી આવાસમાં
વધતી માનવીય દખલ જવાબદાર છે. પીપાવાવ પોર્ટ વિસ્તાર સહિત અનેક સ્થળોએ બાવળની કાંટ અને
જંગલ વિસ્તાર દૂર કરાતા સિંહોનું રહેઠાણ ખોરવાયું હોવાનું માનવામાં આવે છે. અગાઉ સફારી
પાર્ક, સોલાર પ્લાન્ટ અને અન્ય વિકાસકાર્યોને કારણે પણ સિંહોના આવાસ પર અસર પહોંચી
હતી. ઘટનાઓ બાદ વન વિભાગે તાત્કાલિક પગલાં લઈ ઘંટિયાણમાં એક સિંહણ અને બે બચ્ચાં તેમજ
કોવાયા વિસ્તારમાં ચાર સિંહોને પાંજરે પૂર્યા છે, જ્યારે અન્ય હુમલાખોર સિંહોની શોધખોળ
ચાલુ છે.