• શનિવાર, 27 જૂન, 2026

અદાણી ગ્રુપનો મેગા પ્લાન : 20,000 કરોડના રોકાણ સાથે 6 શહેરમાં બનશે અત્યાધુનિક ‘એરપોર્ટ સિટી’

મુંબઈ, નવી મુંબઈ, અમદાવાદ સહિતના એરપોર્ટ પર 22 મિલિયન ચોરસ ફૂટ વિસ્તારમાં આતિથ્ય, મનોરંજન અને વ્યાપારી હબ વિકસાવાશે

મુંબઈ, તા.26 : ભારતના સૌથી મોટા ખાનગી એરપોર્ટ ઓપરેટર અદાણી એરપોર્ટ હોલ્ડિગ્સ લિ.ની પેટાકંપની ‘અદાણી એરપોર્ટ સિટી લિ.’ દ્વારા એરપોર્ટ માળખામાં સંકલિત એરપોર્ટ શહેરો વિકસાવવા માટે એક મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં આતિથ્ય (હોસ્પિટાલિટી), છૂટક વેપાર, મનોરંજન અને વાણિજ્યિક માળખાને એકસાથે લાવીને આધુનિક શહેરી જિલ્લાઓ બનાવવામાં આવશે. આ વ્યાપક વિકાસ કાર્યક્રમના પ્રથમ તબક્કામાં મુંબઈ, નવી મુંબઈ, અમદાવાદ, લખનૌ, જયપુર અને ગુવાહાટીમાં આશરે 22 મિલિયન ચોરસ ફૂટ વિસ્તારનો વિકાસ કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં પાંચ રાજ્યના છ એરપોર્ટની 655 એકરથી વધુ જમીન સામેલ છે.

જેમાં સૌથી મોટો હિસ્સો એટલે કે 440 એકર જમીન ફક્ત મુંબઈ અને નવી મુંબઈની છે. પ્રસ્તાવિત રોકાણના અંદાજે 70 ટકા નાણાં મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં કેન્દ્રિત કરાશે.

અદાણી એરપોર્ટસના ડિરેક્ટર જીત અદાણીએ જણાવ્યું હતું કે, સિંગાપોરના ચાંગી અને દુબઈ જેવા વૈશ્વિક એરપોર્ટથી પ્રેરિત આ મોડેલ પરંપરાગત રિયલ એસ્ટેટથી અલગ છે. તે આર્થિક પ્રવૃત્તિ અને રોજગાર વધારશે.

કંપનીએ આ અંતર્ગત પાંચ લક્ઝરી હોટેલ્સ માટે આઇએચજી હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ સાથે કરાર કર્યા છે, જેના ભાગરૂપે ભારતમાં જાણીતી કિમ્પ્ટન બ્રાન્ડની શરૂઆત થશે. પર્યાવરણની જાળવણી માટે આ તમામ પ્રકલ્પોને યુ.એસ. ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ દ્વારા લીડરશીપ ઇન એનર્જી એન્ડ એન્વાયર્નમેન્ટલ ડિઝાઇન માટે ગોલ્ડ પ્રી-સર્ટિફિકેશન પણ પ્રાપ્ત થયું છે. આ પ્રોજેક્ટ માટે એલએન્ડટી, ટાટા પ્રોજેક્ટ્સ, કેપીએફ અને જેએલએલ જેવી વૈશ્વિક કક્ષાની સંસ્થાઓ સહયોગ આપી રહી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક