• શનિવાર, 25 જુલાઈ, 2026

રાજકોટ જિલ્લામાં સર્વત્ર મેઘમહેર: જામકંડોરણામાં 8, વિરપુરમાં 6 ઈંચ

જેતપુરમાં 6.5, ગોંડલમાં 5 અને ધોરાજીમાં 2 ઈંચ વરસ્યો : રાજકોટ શહેરમાં 4 ઈંચ સાથે મોસમનો 9.5 ઈંચ

રાજકોટ, તા.24 : રાજકોટ જિલ્લામાં મેઘમહેર થઈ ગઈ હતી, જિલ્લાના વિરપુર, જામકંડોરણા, ધોરાજી, ગોંડલ સહિતના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતાં શહેરીજનો અને ખેડૂતો ખુશખુશાલ થઈ ગયાં હતાં. રાજકોટ શહેરમાં ગુરુવારે રાત્રીના 12 વાગ્યાથી લઈને શુક્રવારે સમી સાંજ સુધી મેઘસવારી વરસી હતી અને 4 ઈંચ જેટલો વરસાદ પડી ગયો હતો. જિલ્લામાં સૌથી વધુ વરસાદ જામકંડોરણામાં 8 ઈંચ તેમજ વિરપુરમાં 6 ઈંચ નોંધાયો હતો. આ ઉપરાંત ગોંડલમાં પાંચ અને ધોરાજીમાં બે ઈંચ પડયો હતો.

વિરપુર : સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વિરપુરમાં ગત રાત્રિથી વરસાદી માહોલ જામ્યો હતો. ગત રાત્રે ગુરુવારે આશરે 8 વાગ્યાથી શુક્રવારે સવારે 8 વાગ્યા સુધીમાં અંદાજે 6 ઇંચ જેટલો ધોધમાર વરસાદ નોંધાતા સમગ્ર શહેર પાણીમાં તરબોળ બન્યું હતું. પંથકના થોરાળા, જેપુર, પીઠડિયા, કાગવડ સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસતા સર્વત્ર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદના કારણે જનજીવન થોડા સમય માટે અસ્તવ્યસ્ત બન્યું હતું.  વિરપુરના જલારામ નગર રોડ પર આવેલા ખરાવાડ વિસ્તાર તેમજ રાધાકૃષ્ણ સોસાયટીમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતાં સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો ઉપરાંત ખાંટ રાજપૂત સમાજ નજીકના વિસ્તારમાં પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. જો કે સવારે વરસાદે વિરામ લેતા પાણી ધીમે ધીમે ઓસરવા લાગ્યા હતા અને પરિસ્થિતિ સામાન્ય બનવા લાગી હતી.

જેતપુર :  જેતપુર શહેર સહિત સમગ્ર તાલુકામાં ગત રાતથી શરૂ થયેલો આફતરૂપી વરસાદ આજ સાંજ સુધી સતત ચાલુ રહેતાં શહેરમાં સાત 6.5 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે. જેતપુર શહેર ઉપરાંત તાલુકાના ગ્રામીણ વિસ્તારો જેવા કે ખીરસરા, ખજુરી ગુંદાળા, સ્ટેશન વાવડી, દેવકીગાલોર, અમનગર, વાડસડા, હરિપર અને વાળાડુંગરા સહિતના તમામ ગામોમાં પણ મેઘરાજાએ સાંબેલાધારે બાટિંગ કરી છે. ગ્રામીણ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ખેતરો જળમગ્ન બન્યા છે. શહેરમાંથી પસાર થતી ભાદર નદીમાં પણ ઘોડાપુર આવતા લોકો નદીનું પાણી જોવા ઉમટી પડયા હતાં.

શહેરની નદીના ઉપરવાસમાં કે જ્યાંથી નદી પસાર થતી આવે છે તે વાડાસડા ગામે તેમજ દેરડીની ધાબી પર પાણી ફરી વળ્યું હતું. જ્યારે જેતપુર બગસરા રોડ પર દેવકી ગાલોર ગામે ગાલોરિયા નદીમાં આવેલ ડાયવર્જન તૂટી જતા વાહન વ્યવહાર ખોરવાય ગયો હતો, આજ રોડ પર ખારચિયા ગામ પાસે એક વિશાળ વૃક્ષ ધરાશયી થઈ રસ્તા વચ્ચે પડતાં ત્યાં પણ વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. જ્યારે અમરનગરથી દેવળકી ગામ વચ્ચે આવેલ બેઠી ધાબી પણ નદીમાં પૂરને કારણે તૂટી ગઈ હતી. 

જામકંડોરણા : જામકંડોરણામાં ગત રાત્રીથી મેઘરાજાની શાનદાર એન્ટ્રી જોવા મળી હતી ગત રાત્રીના 10-00 વાગ્યાંથી આજે સવારના 10-00 વાગ્યાં સુધીમાં બાર કલાકમા 206 મી. મી.(આઠ ઈંચ) વરસાદ પડયો હતો સમગ્ર પંથકમાં આ સારા વરસાદને લીધે જામકંડોરણાની ઉતાવળી નદી, સારણ નદી, અને ફોફળ નદીમાં પૂર આવ્યા હતા તેમજ નદી નાળા, ચેકડેમો છલોછલ ભરાઈ ગયા હતા આ સારા વરસાદના લીધે જામકંડોરણાના ફોફળ ડેમમા 8. 50 ફુટ પાણીની આવક થતા ડેમની સપાટી હાલ 16. 40 ફુટે પહોંચી છે.

ગોંડલ : ગોંડલમાં છેલ્લા 24 કલાકમાં પાંચ ઇંચ વરસાદ પડ્યો છે.ગત રાતથી આજ દિવસ દરમિયાન પાંચ ઇંચ વરસાદ વરસી જતાં રાજમાર્ગો પાણી પાણી બન્યાં હતાં.કેટલાક વિસ્તારો માં પાણી ભરાયાં હતાં. ગોંડલનાં ગ્રામ્ય વિસ્તારમાં પણ નોંધપાત્ર વરસાદ વરસી જતા ખેડુતો ખુશખુશાલ બન્યાં છે. નવાગામમાં ભારે વરસાદને લીધે રોડને નદીની દીવાલ ધરાશાયી થતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. સર ભગવતસિંહે બનાવેલી આ દિવાલ વહેલામાં વહેલી તકે બને તેવી ગ્રામજનોએ માંગણી કરી હતી.

ધોરાજી : ધોરાજીમાં છેલ્લા ત્રણ દિવસથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગતરાત્રિના ભારે વરસાદ આવતા આજનો સાંજના છ વાગ્યા સુધીમાં બે ઇંચ જેવો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સમગ્ર રાજકોટ જિલ્લામાં સૌથી વધારે વરસાદ ધોરાજીમાં નોંધાયો છે ત્યારે ધોરાજીમાં આજે સાંજના છ વાગ્યા સુધીમાં બે ઇંચ વરસાદ નોંધાતા કુલ સિઝનનો વરસાદ 14 ઇંચ જેટલો થઈ ગયો છે

 

 

ઇ-પેપરના નવા શુલ્ક