• શુક્રવાર, 24 જુલાઈ, 2026

રાજકોટ જિલ્લામાં 30 વર્ષમાં સૌથી ઓછો માત્ર 163 મિ.મિ. વરસાદ

ધોરાજીમાં સૌથી વધુ 36.31 % અને જસદણમાં સૌથી ઓછો 8 % વરસાદ : જળાશયોમાં 15થી 75 % પાણી

(ફૂલછાબ ન્યુઝ)

રાજકોટ, તા.23: અષાઢ મહિનો અડધો વિત્યા પછી પણ રાજકોટ જિલ્લામાં મેઘરાજાની પુરતી કૃપા થઈ નથી.  કલેક્ટર ડો.ઓમપ્રકાશે આજે જણાવ્યું હતું કે જિલ્લામાં અત્યાર સુધીમાં માત્ર 163 મી.મી., એટલે કે  22 ટકા જ વરસાદ થયો છે. જે પાછલા ર7થી 30 વર્ષનો સૌથી ઓછો વરસાદ છે.

વર્તમાન સીઝનમાં રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં સૌથી વધુ 37%, જ્યારે જેતપુરમાં 25% વરસાદ નોંધાયો છે. જસદણમાં સૌથી ઓછો 8% અને વીંછિયામા 10% વરસાદ નોંધાયો છે. જયારે આજી-2 જળાશયને બાદ કરતા અન્ય જળાશયોમાં હજુ 15 ટકાથી શરૂ કરી 75 ટકા સુધીની પાણીની આવક થઈ છે. રાજકોટ નજીકનો આજી-2 ડેમ ઓવરફલો થતા તેના દરવાજા ખોલવામાં આવ્યા છે. આ વખતે રાજકોટ જિલ્લામાં ચોમાસાની શરૂઆત નબળી રહી છે. જુલાઈ માસ પૂર્ણ થવાને આડે માત્ર જુજ દિવસ જ રહ્યા છે તેમ છતા હજુ પુરતો વરસાદ નહી થતા લોકોમાં ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. પુરતા વરસાદને અભાવે વાવણી નિષ્ફળ જવાની ભીતિ ઉભી થઈ છે.  ખેતીપાક બચાવવા માટે ખેડૂતો આકાશ તરફ મીટ માંડી કાગડોળે વરસાદની પ્રતિક્ષા કરી રહ્યા છે.

આ વચ્ચે રાજકોટ શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા આજી-1, ભાદર અને ન્યારી ડેમમાં હજુ નવા પાણીની નહીવત આવક થઈ છે. હવે મેઘરાજા મન મુકીને મહેર નહીં કરે તો જળસંકટ ઉભું થવાની સંભાવના છે.

ભેજવાળા પવનોની દિશા બદલાઈને દક્ષિણ ગુજરાત, મહારાષ્ટરમાં ફંટાય છે

હાલમા અરબી સમુદ્રમાં લોપ્રેશર કે ડીપ્રેશન જેવી સિસ્ટમનો પણ સતત અભાવ જોવા મળી રહ્યો છે. દક્ષિણ પશ્ચિમ તરફથી આવતા ભેજ વાળા પવનોની દિશા બદલાતી રહે છે અને તે દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર તરફ ફંટાઈ જતી હોવાથી વાદળો બંધાવા છતા સ્થાનિક સ્તરે વરસાદ વરસતો નથી.

ઇ-પેપરના નવા શુલ્ક